Baba Aparajith Retirement : અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના સભ્ય રહી ચૂકેલા ઓલરાઉન્ડર બાબા અપરાજિતે 32 વર્ષની વયે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે જ તેની 15 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવ્યો છે. આ દરમિયાન તે તમિલનાડુ, કેરળ, ઈન્ડિયા A અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તથા રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ માટે રમ્યો હતો.
બાબા અપરાજિતે બુધવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. તેણે પોતાની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ 24 જાન્યુઆરી, 2026ના રોજ રમી હતી. પોતાની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તેણે કુલ 10,594 રન બનાવ્યા. જેમાં 20 સદીઓનો સમાવેશ થાય છે અને 175 વિકેટ ઝડપી હતી.
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં બાબા અપરાજિતે લખ્યું કે, મેં 24 જાન્યુઆરી, 2026ના રોજ મારી છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેની સાથે મારી ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીનો અંત આવ્યો. પાછળ વળીને જોઉં તો, આ એક અદ્ભુત સફર રહી છે. જે અનુભવો, પડકારો, શીખ, મિત્રતા અને એવી યાદોથી ભરેલી છે જેને હું જીવનભર સંભાળીને રાખીશ.
તમિલનાડુ, ઈન્ડિયા અંડર-19, ઈન્ડિયા A, કેરળ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ, વિવિધ TNPL ફ્રેન્ચાઈઝીઓ અને મારી ક્લબ ટીમો માટે રમવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત રહી છે. હું એવી ઘણી ટીમો અને ડ્રેસિંગ રૂમનો ભાગ રહ્યો છું જેમણે મારી સફરને ઘડવામાં મદદ કરી છે. દરેક અનુભવે મને એક ક્રિકેટર અને એક વ્યક્તિ તરીકે ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બાબા અપરાજિત 2012 ICC અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતો. તે ટુર્નામેન્ટમાં તેણે 171 રન બનાવ્યા અને પાંચ વિકેટ લીધી હતી, તથા તે ભારત માટે ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. તમિલનાડુના આ ક્રિકેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ઈન્ડિયા Aનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ તથા રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ માટે રમ્યો હતો. પોતાની ડોમેસ્ટિક કારકિર્દીના અંતિમ તબક્કામાં, તે કેરળની ટીમ તરફથી પણ રમ્યો હતો.
બાબા અપરાજિતે 102 મેચ રમ્યા બાદ પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીને અલવિદા કહ્યું છે. આમાંથી મોટાભાગની મેચો તેણે તમિલનાડુ માટે રમી હતી. તેના ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડમાં 12 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે પોતાની ઓફ-સ્પિન બોલિંગ દ્વારા પણ યોગદાન આપ્યું હતું અને તેને તમિલનાડુની ટીમની કેપ્ટનશિપ કરવાની તક પણ મળી હતી. તે તમિલનાડુની તે ટીમોનો ભાગ હતા જેણે 2017-18માં વિજય હઝારે ટ્રોફી, તેમજ 2020-21 અને 2021-22માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી.
બાબા અપરાજિતનો જોડિયો ભાઈ બાબા ઇન્દ્રજિત પણ ક્રિકેટર છે. અપરાજિતે તે તમામ ક્રિકેટ એસોસિએશનો, પરિવારના સભ્યો, કોચ, સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો છે, જેમણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન તેને સાથ આપ્યો હતો.