ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તિતાવી પોલીસ મથક હદમાં આવેલા ફ્લાયઓવર પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બેકાબૂ થઈને પહેલા ડિવાઈડર સાથે ભટકાઈ અને ત્યારબાદ વીજળીના થાંભલા સાથે અથડાઈ. અથડાયા બાદ કારમાં અચાનક જોરદાર આગ લાગી હતી. જોત જોતામાં તો કાર આગના ગોળામાં ફેરવાી ગઈ. આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યા.
પ્રાથમિક જાણકારી મુજબ તિતાવી પોલીસ મથકના જાગાહેડી નજીક હુંડાઈ ઓરા કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને ફ્લાયઓવર પર આ અકસ્માત થયો. બેકાબૂ થયેલી કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ વીજળીના થાંભલા સાથે ટક્કર થઈ. આ ટક્કર એટલે ભયાનક હતી કે ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ગણતરીની પળોમાં આખી કાર આગનો ગોળો બની ગઈ. કારમાં રહેલા લોકોને બચવાની એક તક ન મળી.
એસપી ગ્રામીણ અક્ષય સંજય મહાડિકે જણાવ્યું કે પ્રાથમિક જાણકારી મુજબ મૃતકોનો સંબંધ હરિયાણાના નારનૌલ પાસેના રાખીખાક ગામ સાથે હોવાનું કહેવાય છે. જો કે હજુ પણ મૃતકો વચ્ચે કૌટુંબિક સંબંધ હોવાની પુષ્ટિ થઈ નથી. પ્રથમ દ્રષ્ટિએ તમામ લોકો પરસ્પર મિત્રતા ધરાવતા હોવાનું લાગે છે. પોલીસ મૃતકોની ઓળખ અને તેમની વચ્ચેના આપસી સંબંધો વિશે માહિતી મેળવી રહી છે.
આ અકસ્માત બાદ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તો બધુ ખતમ થઈ ચૂક્યું હતું. ફાયરકર્મીઓએ ભારે જદ્દોજહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ કારમાં ફસાયેલા તમામ 6 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે બધા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. મૃતકોમાં કાર ડ્રાઈવર ઉપરાંત એક 10 થી 12 વર્ષની ઉંમરનો બાળક હોવાનું પણ કહેવાય છે. પોલીસ હાલ અકસ્માત કઈ રીતે થયો તે તપાસ કરી રહી છે. આખરે કાર બેકાબૂ કેવી રીતે થઈ અને દુર્ઘટના કયા સંજોગોમાં થઈ.