ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં હાઈ પ્રોફાઈલ શિવાશર્મા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોશ વિસ્તાર હજરતગંજના અવધગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષના કેફે સંચાલક શિવા શર્માના શંકાસ્પદ મોતે સનસનાટી મચાવી દીધી છે. હત્યાની આશંકાની આગળ વધીને એક ગ્લેમર, વગદાર, બ્લેકમેલિંગ અને ખતરનાક પ્રેમ જાળનો મામલો બનતો જઈ રહ્યો છે. જેમ જેમ પોલીસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ એવા ખુલાસા થઈ રહ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
આ મામલે પોલીસે સોમવારે આરોપી મોડલ શ્રદ્ધા દુબે, ડ્રાઈવર આમિર અને દાનિશના ઠેકાણાઓ પર રેડ મારી હતી. આરોપીઓને શરણ આપનારા કે ભાગવામાં મદદ કરનારાઓ પણ હવે પોલીસના રડારમાં છે. એવી પણ આશંકા છે કે ઘટના બાદ મેડિકલ કોલેજથી નકીળતા જ આરોપીઓએ પરસ્પર સંપર્ક કર્યો અને કાવતરું ઘડીને શહેરમાંથી ભાગી ગયા.
શિવા અને શ્રદ્ધાની રિલેશનશીપ
શ્રદ્ધા દુબે એક મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. શિવા એક કેફે ઓનરની સાથે સાથે કપડાનો પણ ધંધો કરતો હતો. લગભગ 4 મહિનાથી બંને લિવઈનમાં રહેતા હતા. એવો આરોપ છે કે મોડલે કેટલાક અશ્લિલ વીડિયો અને આપત્તિજનક સામગ્રી દ્વારા શિવાને બ્લેકમેલ કર્યો અને તેના પર એવું દબાણ નાખ્યું કે તે સંબંધમાંથી બહાર ન આવી શક્યો. ખોટા કેસમાં જેલમાં મોકલવાની ધમકીઓ આપીને શિવાની જિંદગી નરક બનાવી હતી. આ સાથે જ તેમણે શ્રદ્ધાની બહેન, ડ્રાઈવર અને અન્ય સહયોગીઓ ઉપર પણ આરોપ લગાવ્યા છે.

કઈ રીતે થયું મોત
વાત જાણે એમ છે કે યુપીના લખનઉમાં એક કરોડપતિ વેપારી શિવા શર્માનું એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડીને મોત નિપજ્યું. આ ઘટના 9 ઓક્ટોબરે હજરતગંજ વિસ્તારના અવધગ્રીન એપાર્ટમેન્ટમાં ઘટી. શિવા શર્માના પરિજનોનો એવો આરોપ છે કે શિવાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા દુબેએ આ હત્યા કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ શિવાના માતા રંજના શર્માએ શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ, ડ્રાઈવર આદિલ અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. પરિજનોના આરોપોની તપાસ થઈ રહી છે.
પોલીસને ફ્લેટમાંથી શું મળ્યું
કેસમાં પોલીસ તપાસમાં ફ્લેટમાંથી કેટલીક ચોંકાવનારી વસ્તુઓ મળી છે જેમાં કેટલીક દવાઓ, ઈલેક્ટ્રોનિક ટોય, વિદેશી બ્રાંડની સિગારેટ, અને દારૂની મોંઘી બોટલો મળી છે. આ દવાઓનો ઉપયોગ સેક્સ પાવર વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પોલીસે બધો સામાન કબ્જે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. આરોપી બહેનોને પકડવા માટે 20થી વધુ લોકોના નંબર સર્વિલાંસ પર નાખ્યા છે. પરિવારનો એવો પણ દાવો છે કે શિવા શર્માના ચહેરા પર લિપસ્ટિક જેવા નિશાન હતા અને શરીર પર ઈજા સિવાય સિગારેટથી દઝાડવાના પણ નિશાન જોવા મળ્યા હતા. પરિજનોના જણાવ્યાં મુજબ ઘટના સમયે શિવાએ ફક્ત અન્ડરવેર પહેર્યો હતો.
કોલ ડિટેલ્સમાં છે વગદારોનું રહસ્ય
આ હાઈ પ્રોફાઈલ ડેથ કેસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે પોલીસે શ્રદ્ધા દુબેના કોલ રેકોર્ડની તપાસ કરી. એવું કહેવાય છે કે શ્રદ્ધાના કોન્ટેક્ટ લિસ્ટમાં શહેરના બિલ્ડર, નેતાઓ અને વીઆઈપી લોકોના નંબર મળ્યા છે. જેનાથી સ્પષ્ટ છે કે મોડલનું નેટવર્ક ફક્ત ફેશન ઈન્ડસ્ટ્રી સુધી જ સીમિત નહતું પરંતુ ઘણી ઊંચી પહોંચ હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ ગ્લેમર નેટવર્કની આડમાં કોઈ મોટી સિન્ડિકેટ ચાલતી હતી, જેની શિવાને ખબર પડી ગઈ હતી.
નેતાઓ અને પૂર્વ ક્રિકેટરો સાથે સંબંધનો દાવો?
અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે શ્રદ્ધા દુબે લોકોને બ્લેકમેલ કરીને પૈસા વસૂલવાનું કામ કરતી હતી. હજરતગંજ સહિત અન્ય પોલીસ મથકોમાં પણ તેના કેટલાક લોકો વિરુદ્ધ છેડછાડ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધાયેલો હતો. અનેક હાઈપ્રોફાઈલ લોકો સાથે કનેક્શનની પણ વાત સામે આવી છે. શિવાની માતા રંજના શર્માનો એવો દાવો છે કે શ્રદ્ધા દુબેનો સંપર્ક મોટા નેતાઓ, મોટા ઓફિસરો અને પૂર્વ ક્રિકેટરો સાથે છે. તેમના નામ લઈને તે ડરાવીને બ્લેકમેલ કરતી હતી.
સૂત્રોનું માનીએ તો શ્રદ્ધા દુબેનું નામ પહેલા પણ અનેકવાર ખોટા કારણસર ગાજ્યું હતું. પરંતુ પહેલીવાર હત્યાના મામલા સુધી પહોંચ્યું છે. આવામાં પોલીસ પણ દરેક પહેલુંની તપાસ કરી રહી છે.

શું થયું હતું ઘટનાના દિવસે
ઘટનાના દિવસે અવધગ્રીન એપાર્ટમેન્ટમાં ચોથા માળેથી પડીને શિવા શર્માનું મોત નિપજ્યું. શિવા કઈ રીતે પડ્યો એ મોટું રહસ્ય બન્યું છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં શિવા જમીન પર પડતો તો જોવા મળી રહ્યો છે પરંતુ બરાબર પડતા પહેલા ફ્લેટમાં કઈ પરિસ્થિતિઓમાં હાથાપાઈ કે સંઘર્ષ થયો, તેનો કોઈ ક્લુ મળ્યો નથી. સીસીટીવીમાં શિવાના પડ્યા બાદ કેટલાક લોકો ઝડપથી દાદરા ઉતરીને નીચે આવતા જોવા મળી રહ્યા છે. ફૂટેજમાં સચિવાલય પાસવાળી ઓડી એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળે છે.
શ્રદ્ધા અચાનક કેમ ભાગી ગઈ
પોલીસ એવી તપાસ કરી રહી છે કે આ ગાડીથી આરોપીઓ ભાગી ગયા હતા કે શું. મૃતકની માતાનું કહેવું છે કે શિવાના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. શરીર પર મળેલી ગંભીર ઈજાઓના નિશાન અને ઘટના બાદ તરત મોડલ તથા તેના સહયોગીઓનું રાતોરાત ભાગી જવું એ અનેક સવાલ ઊભા કરે છે.