કેન્દ્રીયકેબિનેટે પરિસીમન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સંશોધન વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે હેઠળ લોકસભાની સીટોની સંખ્યા 50 ટકા વધારવાનો પ્રસ્તાવ છે. તો રાજ્યો વચ્ચે સીટોની વહેંચણી વર્તમાન વ્યવસ્થાને આગામી 25 વર્ષ એટલે કે 2051 સુધી સ્થિર રાખવામાં આવશે.
આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનાર બંધારણીય સંશોધન બિલને મંજૂરી આપી છે. તે પ્રમાણે તમામ રાજ્યોમાં સીટોની સંખ્યા સમાન ગુણોત્તરમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે અને આ વ્યવસ્થા 2051 સુધી લાગૂ રહેશે. સરકારે લોકસભાનું સત્ર 30 નવેમ્બરે બોલાવ્યું છે. જેમાં આ બિલ રજૂ કરવામાં આવશે.
કેબિનેટની આ બેઠક સંસદના વિશેષ સત્ર પહેલા યોજાઈ હતી. સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી બોલાવવામાં આવ્યું છે. લોકસભાની બેઠક 30 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરે તશે. સંસદના બંને ગૃહને 13 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસુ સત્રને ઔપચારિક રૂપથી સમાપ્ત કરવામાં આવ્યું નથી.
એપ્રિલમાં આ બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમત ન મળવાને કારણે પસાર થઈ શક્યું નહોતું. 543 સભ્યોની લોકસભામાં આ બિલ પાસ કરાવવા માટે ઓછામાં ઓછા 360 મતની જરૂર પડશે. નોંધનીય છે કે લોકસભાની ત્રણ બેઠક ખાલી હોવાથી, વર્તમાનમાં ગૃહનું સંખ્યાબળ 540 છે.
સત્તામાં રહેલા એનડીએ પાસે આશરે 320 સાંસદ છે. તેવામાં સરકારે બિલ પાસ કરાવવા માટે અન્ય દળોના સમર્થનની જરૂર પડશે. પરંતુ વર્તમાન રાજકીય સમીકરણો પ્રમાણે ટીએમસીના બળવાખોર 20 સાંસદો એનડીએને સાથ આપી શકે છે. આ સિવાય શિવસેના (UBT) ના છ સાંસદો પણ એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. આ સિવાય તમિલનાડુમાંથી ડીએમકે પણ સરકારનું આ મુદ્દે સમર્થન કરી શકે છે, જેના લોકસભામાં 22 સાંસદ છે.