Lawrence Bishnoi Gang: ભારતમાં એક ફોન કોલથી દહેશત ફેલાવનાર...ખંડણી માંગનાર...અને ન આપવા પર મોતનું ફરમાન સંભળાવનાર સામે મોટી કાર્યવાહી થઈ ગઈ છે. આ કાર્યવાહી અમેરિકામાં થઈ છે. લોરેન્સનો સૌથી નજીકનો અને ભારતમાં દહેશતનો પર્યાય બની ચૂકેલો હેરી બોક્સર ઝડપાઈ ગયો છે. ગેંગસ્ટર હેરી બોક્સર પકડાઈ ગયો છે. તે અમેરિકામાં બેસીને ભારતમાં લોરેન્સની ગેંગને ચલાવી રહ્યો હતો. લોરેન્સના ઈશારે ખંડણી વસૂલી રહ્યો હતો. હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો...
હેરી બોક્સરના નિશાના પર બોલિવૂડ હતું. તે સલમાન ખાન અને રોહિત શેટ્ટી જેવી તાકાતવર અને મોટી હસ્તીઓને ટાર્ગેટ કરતો હતો જેથી નાના એક્ટર્સ પર દબાણ બનાવી શકાય અને ખંડણી વસૂલી શકાય. હેરી બોક્સર ભલે રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ તે હરિયાણામાં મોસ્ટ વોન્ટેડ છે. હેરી બોક્સરનું અસલી નામ હરચંદ છે. તેને બોક્સિંગમાં ખાસ રુચિ હતી.
ક્રાઈમની દુનિયામાં આવ્યા બાદ તેનું નામ હેરી બોક્સર પડ્યું. તેને હરિ બોક્સર પણ કહેવામાં આવે છે. હેરી લોરેન્સ બિશ્નોઈ ગેંગને અમેરિકામાં બેસીને ઓપરેટ કરી રહ્યો હતો. ફેબ્રુઆરી 2026માં પણ તેને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ધરપકડ થઈ છે. અને હવે તેને ભારત લાવવાની તૈયારી છે.
હેરી પર હત્યા, હત્યાનો પ્રયાસ, મારપીટ, ફાયરિંગ અને વેપારીઓને ધમકાવીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે... તે વિદેશમાં રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ખંડણી નેટવર્ક ચલાવતો હતો. હેરી બોક્સર પર રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં ગંભીર કેસ નોંધાયેલા છે. આખા દેશમાં હેરી પર 25થી વધુ કેસ છે. માત્ર રાજસ્થાનમાં જ તેના પર 10 કેસ નોંધાયેલા છે.
પોલીસનું દબાણ વધ્યું તો ધરપકડના ડરથી 2022માં વિદેશ ભાગી ગયો અને ડંકી રૂટથી અમેરિકા પહોંચી ગયો. ત્યારબાદ અમેરિકાથી જ લોરેન્સની ગેંગનું સંચાલન કરાવી રહ્યો હતો. લોરેન્સ ગેંગના અસ્તિત્વને ખતમ કરવા માટે ભારતથી લઈને અમેરિકા સુધી 'ઓપરેશન હાર્ડ બોલ' ચાલી રહ્યું છે.
આ ઓપરેશન અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશોમાં ચાલી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતના 37 ગેંગસ્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી થવાની છે. જેમાંથી 24 પકડાઈ ચૂક્યા છે, આ લોકો લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને રવિન્દર સિંહ ઢાંડાના નેટવર્ક સાથે જોડાયેલા છે.