Rajkot News: દિવાળીના તહેવારોમાં આવતી કાળી ચૌદશના દિવસને આપણી માન્યતાઓમાં ભૂત-પ્રેત, ડાકીની અને મેલી વિદ્યા સાથે જોડવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ અંધશ્રદ્ધાના નામે અટપટા પ્રયોગો થતા હોય છે. આ કુપ્રથાઓ અને વહેમો સામે રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા આક્રમક પ્રહારો કરવામાં આવ્યા છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થયો છે.
જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાની પોલ ખોલતા જણાવ્યું હતું કે કાળી ચૌદશની રાત્રે ચાર રસ્તે કુંડાળા કરવા, વડા કે તાંત્રિક સામગ્રી મૂકવી એ તદ્દન અંધશ્રદ્ધા સિવાય કશું નથી. સ્મશાન વિશે એવી માન્યતા હોય છે કે ત્યાં ભૂત, પ્રેત કે ડાકીનીઓનો વાસ હોય છે, પરંતુ વિજ્ઞાન જાથાએ આ વાતને નકારી કાઢીને સ્પષ્ટ કર્યું છે કે સ્મશાનમાં કોઈ ભૂત-પ્રેત હોતા નથી. આ માત્ર લોકોના મનનો ડર છે.
જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં જ્યાં માનવી ચંદ્ર અને મંગળ ગ્રહ પર પહોંચવાની તૈયારીઓ કરી રહ્યો છે, ટેકનોલોજી અદ્ભુત હરણફૂળ ભરી રહી છે, ત્યારે બીજી બાજુ અંધશ્રદ્ધામાં ડૂબેલા કેટલાક લોકો હજુ પણ ભૂત-પ્રેત અને મેલી વિદ્યાના ચક્કરમાં ફસાઈને પોતાનો સમય અને શક્તિ બરબાદ કરી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વિજ્ઞાન જાથા છેલ્લા 33 વર્ષથી સતત અંધશ્રદ્ધા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો ચલાવી રહી છે. આ સંસ્થા દ્વારા અંધશ્રદ્ધાના ભોગ બનતા લોકોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કાળી ચૌદશના તહેવાર નિમિત્તે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સંપૂર્ણપણે ખોટી અને નર્યું ધતિંગ છે. તેમણે લોકોને વિજ્ઞાન અને તર્ક આધારિત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
વિજ્ઞાન જાથાએ જનતાને અપીલ કરી છે કે પ્રેત બાધા, મેલી વિદ્યા કે ચમત્કારો જેવું વાસ્તવિકતામાં કશું જ હોતું નથી. સમાજે વહેમો અને અંધશ્રદ્ધાના દૂષણમાંથી બહાર આવીને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી પ્રગતિના પંથે આગળ વધી શકાય.