દિવાળી ટાણે જ્યારે કમાણીના ડંકા વગાડવાના હોય ત્યારે જ વિરોધ પ્રદર્શનો થાય તો શું થાય? કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા સંગઠને નવી દિલ્હીમાં વિપક્ષ દ્વારા વારંવાર આયોજિત થતી રેલીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. નવી દિલ્હીમાં છેલ્લા એક મહિનામાં અનેક મોટી રેલીઓનું આયોજન થયું હતું જેના કારણે થોડા સમય માટે દિલ્હીના અલગ અલગ બજારો બંધ રાખવા પડ્યા. આવામાં CAITનો દાવો છે કે આ રેલીઓના કારણે દિલ્હીમાં વેપારને ઘણી અસર થઈ છે.

1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા બ્લોકની જે રેલી થઈ તેના વિશે દાવો છે કે આ રેલીના કારણે રામલીલા મેદાન આસપાસના બજારો બંધ રખાયા હતા. જેનાથી વેપારીઓને 10,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. હાલમાં જ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ કહ્યું કે રેલીના કરાણે રામલીલા મેદાનની આસપાસ 20-25 મોટા બજારોની લગભગ અઢી લાખ જેટલી દુકાનો બંધ રહી. ભીડ અને ગાડીઓના ડરથી વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી.