નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ રવિવાર (22 નવેમ્બર) થી 2 દિવસની ભારત યાત્રા પર છે. પ્રધાનમંત્રી બન્યા બાદ શાહની આ પ્રથમ વિદેશ યાત્રા છે. આ દરમિયાન એનર્જી, કનેક્ટિવિટી, રેલવે, તકનીક, હ્યુમન રિસોર્સ જેવા મુદ્દા પર બંને પક્ષો વચ્ચે વાતચીત થવાની સંભાવના છે. સોમવાર (23 નવેમ્બર) એ બાલેન શાહની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી સાથે થશે. આ દરમિયા અયોધ્યા-જનકપુર વચ્ચે એક રેલ લિંકની જાહેરાત થવાની આશા છે.
ભારત પહોંચવા પર શાહનું સ્વાગત વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે કર્યું, ત્યારબાદ તેમની મુલાકાત વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે થઈ હતી. આ તકે જયશંકરે એક્સ પર લખ્યું કે ભારત નેપાળની સાથે પોતાની ખાસ મિત્રતાને ખુબ મહત્વ આપે છે. આ સિવાય નેપાળ PMO એ જાણકારી આપી કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના અલગ-અલગ મુદ્દા પર ચર્ચા કરી. આ દરમિયાન કનેક્ટિવિટી, બિઝનેસ, ટ્રાન્ઝિટ, કોમર્શિયલ, એનર્જી, કલ્ચર અને શિક્ષણને લઈને વાત થઈ છે.
પીએમ મોદી અને શાહ પહેલા ફોન પર વાતચીત કરી ચુક્યા છે. પરંતુ સોમવારે પ્રથમવાર બંને દેશના પ્રધાનમંત્રી મળશે. ભારતના સહયોગથી પૂર્ણ થયેલી કનેક્ટિવિટી અને એનર્જી પ્રોજેક્ટોનું વર્ચુઅલી બંને દેશોના PM ઉદ્ઘાટન કરશે. આ સિવાય કેટલીક નવી પરિયોજનાની આધારશિલા પણ રાખશે. ઘણા પ્રકારની સમજુતિ અને સહમતિ પત્રો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. શાહનો પ્રયાસ એક યોગ્ય સમયે થઈ રહ્યો છે, કારણ કે ભારત અને નેપાળની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓમાં ખુબ તાલમેલ છે. આ તાલમેલ ઇકોનોમિક વિકાસ, સામાજિક પ્રગતિ, આંતરમાળખાનો વિસ્તાર સહિત જળવાયુ પરિવર્તનના મામલામાં જોઈ શકાય છે.
ભારતે બંને દેશોના સંબંધોના લાંબાગાળાના વિકાસ માટે એક વિઝનનો પ્રસ્તાવ રાખ્યો છે. નેપાળે 2 અબજ ડોલરના આર્થિક પેકેજની માંગ કરી છે. તેમાં ઓગસ્ટમાં ભોટે કોશીમાં આવેલા અચાનક પૂરથી તબાહ થયેલા વિસ્તારના પુનનિર્માણ માટે 1 અબજ ડોલરની અનુદાન રાશિ અને સહાયતા સામેલ છે. નેપાળે કાઠમાંડુ-મહેન્દ્રનગર એર કોરિડોરને ટૂ-વે બનાવવાની માંગ કરી છે. હાલ આ રસ્તાથી માત્ર નેપાળની બહાર જનારી આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી છે.
શાહની સાથે 35 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે, જેમાં વિદેશ મંત્રી શિશિર ખનાલ, નાણા મંત્રી સ્વર્ણિમ વાગલે, પ્રધાનમંત્રીના ઘણા વરિષ્ઠ સલાહકાર અને કારોબારી પ્રતિનિધિ સામેલ છે. આ પ્રવાસ દરમિયાન નેપાળ-ભારત બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવશે, જેમાં શાહ તરફથી ભારત પાસે વધુ રોકાણની માંગ કરવાની આશા છે.