Kangana Ranaut Controversy: સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધી માટે વિવાદાસ્પદ પોસ્ટ કર્યા પછી અભિનેત્રી કંગના રનૌતની મુસીબત વધતી જણાય છે. અત્યાર સુધી તો કંગના આ પ્રકારની ટિપ્પણીઓ બોલીવુડના કલાકારો માટે જ કરતી હતી પરંતુ પહેલી વખત તેણે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈને એક મોટી વાત સોશિયલ મીડિયા પર કરી દીધી જેના કારણે હવે અભિનેત્રીની મુસીબત વધી ગઈ છે.
થયું છે એવું કે હિમાચલ પ્રદેશ મંડી મતવિસ્તારની સાંસદ બનેલી કંગના રનૌતએ થોડા દિવસ પહેલા સોનિયા ગાંધીને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેને સોનિયા ગાંધી પર આડકતરી રીતે ગંભીર આક્ષેપ કરી દીધો હતો જેના કારણે વિવાદ વધ્યો અને કંગના સામે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આ વિવાદની આગ ધીરે ધીરે હિમાચલ પ્રદેશ ભાજપ સુધી પહોંચવા લાગી. જેને લઈને હવે હિમાચલ પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય શર્માએ સ્પષ્ટતા કરવી પડી છે.
કંગના રનૌત એ કરેલી પોસ્ટ પછી શરૂ થયેલા વિવાદ મામલે હિમાચલ પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય શર્માએ શનિવારે જ મોટી સ્પષ્ટતા કરીને સમગ્ર વિવાદથી છેડો ફાડી લીધો હતો. સંજય શર્માએ સ્પષ્ટ કરી દીધું હતું કે કંગના રનૌત એ જે પણ પોસ્ટ કરી અને જે પણ વિચાર રજૂ કર્યા તે તેમનો અંગત અભિપ્રાય અને વિચાર છે તેની સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. કંગના એ કરેલી વાત પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી અને પાર્ટી તેનું સમર્થન પણ કરતી નથી.
એએનઆઈ સાથે વાતચીત કરતી વખતે સંજય શર્માએ કહ્યું હતું કે કંગના રનૌત ભાજપની સાંસદ છે પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે પણ લખે છે કે જે પણ કહે છે તે તેનો અંગત મત હોય છે પાર્ટીનું સત્તાવાર નિવેદન હોતું નથી. પક્ષ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે ઓનલાઇન કોઈ ટિપ્પણી કરે છે તો તે ભાજપનું નિવેદન હોતું નથી.
સંજય શર્માએ આ સ્પષ્ટતા ત્યારે કરી છે જ્યારે શિમલા પોલીસ સ્ટેશનમાં કંગના સામે અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાય છે. અભિનેત્રી કંગના વિરુદ્ધ ફરિયાદ શિમલાના રહેવાસી અતુલ શર્મા એ નોંધાવી છે. આ ફરિયાદ 10 નવેમ્બરે કંગના રનૌત એ Instagram પર કરેલી પોસ્ટ બાદ નોંધાય છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંગના એ સોશિયલ મીડિયા પર ગાંધી પરિવાર અને સોનિયા ગાંધી માટે જે પણ કહ્યું છે તે લોકોને ભડકાવવાનો પ્રયત્ન અને લોકોને ગુમરાહ કરવાની વાત છે .
કંગના રનૌત એ 10 નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે એનવિડીયામાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરી સોનિયા ગાંધીને રહસ્યમય વિદેશી નાગરિક ગણાવ્યા. સાથે જ તેણે આડકતરી રીતે એવું પણ કહ્યું કે સોનિયા ગાંધી ગાંધી પરિવારમાં આવ્યા ત્યાર પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીનું રહસ્યમય રીતે મોત થઈ ગયું અને તે પોતે પક્ષ અને પરિવારમાં મુખ્ય વ્યક્તિ બની ગયા. આ પોસ્ટ પછી રાજકીય વિવાદ શરુ થયો છે.