કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચના લાગૂ થવાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓનો એક મોટો વર્ગ એવું માને છે કે સંગઠનો કે હિતધારકોએ પગાર પંચને જે સૂચનો આપેલા છે તેમાંથી મોટાભાગના સૂચનો પર અમલ કરાશે. જો કે ભલામણો ક્યારે સરકારને પહોંચશે અને લાગૂ થશે તે તો સમય જ જણાવશે. સંગઠનોની એક માંગણી એવી પણ છે કે જો તે લાગૂ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર દર 5 વર્ષે રિવાઈઝ થાય.
સરકારી કર્મચારીઓના પગાર દર 10 વર્ષે નવું પગાર પંચ આવે ત્યારબાદ ફેરફાર થતા હતા. પરંતુ કર્મચારી સંગઠન એવું ઈચ્છે છે કે હવે તેમણે પગાર અને પેન્શમાં સંશોધન માટે 10 વર્ષ સુધી રાહ ન જોવી પડે એવું થવું જોઈએ. એના કરતા દર 5 વર્ષે પગાર અને પેન્શનની સમીક્ષા થવી જોઈએ. કર્મચારી સંગઠનોનું એવું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે અને આવામાં એક દાયકા સુધી જૂના પગાર ધોરણ પર નિર્ભર રહેવાથી કર્મચારીઓની ખરીદશક્તિ પ્રભાવિત થાય છે. આથી પગાર અને પેન્શનમાં સંશોધનનો સમયગાળો ઘટાડવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે આ માંગણી કોઈ નવી નથી. આ અગાઉ સાતમાં પગાર પંચ સામે પણ કર્મચારી સંગઠનોએ આ માંગણી ઉઠાવી હતી. ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘે પણ પગાર સંશોધનનો સમયગાળો ઘટાડવાની માંગણી કરી હતી. હાલ દર પાંચ વર્ષમાં પગર અને પેન્શન સંશોધનની માંગણી ફક્ત કર્મચારી સંગઠનોનો પ્રસ્તાવ છે. આઠમાં પગાર પંચે હજુ તેના પર કોઈ નિર્ણય લીધો નથી. પંચની ભલામણો આવ્યા બાદ કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરશે. ત્યારબાદ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.