કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા Belonging: A Journey of Love હવે બજારમાં આવી ગઈ છે. આ સાથે જ પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલા ગાંધી પરિવારના આંતરિક કિસ્સાઓ, રાજકીય પ્રસંગો અને અનેક રહસ્યોના ખુલાસા થઈ રહ્યા છે. જેમાં એક કિસ્સો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી અને પૂર્વ પીએમ મનમોહન સિંહનો પણ છે. 2010માં થયેલી એક વાતચીતનો ઉલ્લેખ કરતા જ સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રણવ મુખર્જીએ મને એવું સૂચન આપીને ચોંકાવી દીધા હતા કે કદાચ હવે ટોચના સ્તરે ફેરફારનો સમય આવી ગયો છે.
સોનિયા ગાંધીએ પુસ્તકમાં કરેલા ઉલ્લેખ મુજબ પીએમ અને તેમની વચ્ચે જવાબદારીઓની એક અઘોષિત વહેંચણી હતી જે ખુબ આરામથી ચાલતી હતી. એટલે કે ડો. મનમોહન સિંહના નેતૃત્વમાં સરકાર અને તેમની લીડરશીપમાં પાર્ટી. સરકાર અને પાર્ટીઓ વચ્ચે શક્તિઓની આ વહેંચણીનો ઉલ્લેખ કરતા ગાંધીએ એક કિસ્સો પણ વર્ણવ્યો કે કઈ રીતે એકવાર પ્રણવ મુખર્જીએ પ્રધાનમંત્રી બનવાની પોતાની ઈચ્છા અંગે સંકેત આપ્યો હતો.
સોનિયા ગાંધીએ કહ્યું કે, બંને વચ્ચે તાલમેળ રાખવા માટે એક કોર ગ્રુપ પ્રધાનમંત્રી સાથે દર અઠવાડિયે બેઠક કરતું હતું. તેના અન્ય સભ્યોમાં પ્રણવ મુખર્જી સામેલ હતા. જે 70ના દાયકામાં ઈન્દિરા ગાંધીની મંત્રીમંડળમાં મંત્રી રહી ચૂક્યા હતા. રાજનીતિક સૂઝબૂઝ ધરાવતા અર્જૂન સિંહ જે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા, કેરળના પૂર્વ મુખ્યમંત્રી એ કે એન્ટની અને અહમદ પટેલ પણ તેમાં સામેલ હતા.
સોનિયાં ગાંધીએ જણાવ્યું કે અમે સ્ટ્રેટેજીક ગ્રુપના સભ્યો તરીકે પણ નિયમિત રીતે મળતા હતા. આ સમૂહની રચના સંસદમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કરાઈ હતી. ક્યારેક ક્યારેક પ્રણવજી પણ વાતચીત કરવા માટે રોકાઈ જતા હતા.
પોતાના 502 પાનાના પુસ્તકમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે, "તે વખતે નાણામંત્રી પી ચિદમ્બરમ સાથે તેમના (પ્રણવજીના) ગંભીર મતભેદો થયા હતા. 2010માં એકવાર પોતાની નિરાશા જાહેર કર્યા બાદ તેમણે મને એવું સૂચન આપીને ચોંકાવી દીધા હતા કે કદાચ હવે ટોપ લેવલ પર બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. મે તેને પ્રધાનમંત્રી બનવા માટેની તેમની જૂની ઈચ્છાના સંકેત તરીકે સમજ્યું."
તેમણે આગળ કહ્યું કે, મે ખુબ જ વિનમ્રતાથી વાતચીતનો વિષય બદલ્યો. ભલે તેઓ નિરાશ થયા હોય પરંતુ તેમણે ક્યારેય એવું મહેસૂસ થવા દીધુ નથી કે તેઓ મારા પ્રત્યે કોઈ નારાજગી ધરાવે છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, વર્ષ 2012માં કોંગ્રેસે મુખર્જીને રાષ્ટ્રપતિ પદ માટે યુપીએના ઉમેદવાર બનાવ્યા અને તેઓ ચૂંટાઈ આવ્યા. સોનિયાએ કહ્યું કે, હું હંમેશા તેમને મળવા માટે જતી હતી, ખાસ તો એટલા માટે કારણ કે એવા વિદ્વાન અને જ્ઞાની રાજનેતા સાથે વાતચીત કરી શકું, જે તેઓ જીવનભર રહ્યા હતા.
સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં એવા આરોપોનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં દાવો થતો હતો કે યુપીએ સરકાર દરમિયાન અસલી સત્તા તેમના હાથમાં હતી અને મનમોહન સિંહ ફક્ત નામના પ્રધાનમંત્રી હતા. તેમણે આ આરોપો સંપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા. સોનિયા ગાંધીએ લખ્યું છે કે તે સમયે મીડિયામાં એવા અનેક વાતો વહેતી થઈ હતી. જેમાંથી કેટલાક સમાચારો પાછળ પ્રધાનમંત્રીની આસપાસના લોકોની ભૂમિકા પણ હતી. તેમણે લખ્યું કે લગભગ એક દાયકા બાદ પ્રધાનમંત્રીના એક પૂર્વ સહયોગીના પુસ્તકમાં પણ એવો દાવો કરાયો હતો કે તેઓ પીએમ કાર્યાલયથી સરકારી ફાઈલો મંગાવતા હતા. વહીવટી મામલાઓમાં દખલગીરી કરતા હતા અને મહત્વપૂર્ણ નિયુક્તિઓના નિર્ણય લેતા હતા. સોનિયા ગાંધીએ આ દાવાઓને દુર્ભાવનાપૂર્ણ અને સંપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે વર્ષોના રાજકીય જીવનમાં તેમના પર અનેક ગંભીર આરોપ લાગ્યા, પરંતુ સરકારી ફાઈલો જોવાનો આ આરોપ તેમને સૌથી વધુ પરેશાન કરનારો હતો. તેમણે કહ્યું કે સરકાર બહારના કોઈ પણ વ્યક્તિનું આવી ફાઈલો સુધી પહોંચવું અયોગ્ય હોય છે અને તેઓ હંમેશા નિયમોના પાલન કરવા અંગે સતર્ક રહેતા હતા. સોનિયા ગાંધીના જણાવ્યાં મુજબ પીએમ કાર્યાલયે પણ નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું હતું કે તેમને ક્યારેય કોઈ સરકારી ફાઈલો દેખાડવામાં આવી નથી.