Tea Strainer Cleaning Hack: ચા ગાળવા માટે ઘરોમાં બે પ્રકારની ગરણીનો ઉપયોગ થતો હોય છે. એક પ્લાસ્ટિકની ગરણી અને બીજી સ્ટીલની ગરણી. બંને ગરણીની જાળીમાં સમય જતા ચાની ભૂકી ફસાઈ જાય છે અને તેની જાળી ધીરે ધીરે બ્લોક થવા લાગે છે. ચાની ગરણીની જાળીમાં ચા નો કચરો ફસાયો હોય અને તે બ્લોક થઈ ગઈ હોય રોજ તેને સાફ કરો તો પણ તે જાળી ખૂલતી નથી. આવી ગંદી ગરણીનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. કારણ કે ગરમ ચાની સાથે ગરણીમાં રહેલો કચરો પણ ચામાં ભળી જતો હોય છે. એટલા માટે જ ગરણીની જાળીમાં ફસાયેલો કચરો કાઢવો જરૂરી છે. આજે તમને ગરણીમાં જામેલો કચરો સાફ કરવાની બે રીત જણાવીએ. એક રીતથી સ્ટીલની ગરણી સાફ થશે અને બીજી રીતથી પ્લાસ્ટિકની ગરણી સાફ કરી શકશો.
ગરણીની જાળી સાફ કરવાની આ રીતમાં તમારે કોઈપણ પ્રકારની મહેનત કરવાની પણ જરૂર નથી. બસ અહીં દર્શાવેલી રીત યોગ્ય રીતે ફોલો કરજો. તમારું કામ કોઈપણ પ્રકારની મહેનત વિના થઈ જશે. આ ટ્રીક ની મદદથી ગરણીની ઝીણી જાળીમાં ફસાયેલો કચરો પણ એક મિનિટમાં નીકળી જશે અને ગરણી નવી હોય તેવી સાફ થઈ જશે.
સ્ટીલની ગરણીની જાળી સાફ કરવાની રીત
જો તમે ઘરમાં ચા ગાળવા માટે સ્ટીલની ગરણીનો ઉપયોગ કરો છો તો તેની સફાઈ કરવી ખૂબ જ સરળ છે. સ્ટીલની ગરણીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે ગરણીનો ઉપયોગ રોજ થતો હોય તેની જાળી એકદમ કાળી દેખાતી હોય તો સમજી લેવું કે તેની જાળીમાં કચરો એકઠો થઈ ગયો છે. આ કચરો ઘસીને સાફ કરવાથી પણ નીકળતો નથી. આવા જિદ્દી કચરા ન સાફ કરવા માટે ગરણીને ગેસની ફ્લેમ પર ગરમ કરો. ગરણીમાં જાળીનો જે ભાગ હોય તેને ગેસની ફ્લેમ પર ધીરે ધીરે ફેરવો અને ગરમ થવા દો. ગેસની ફ્લેમ ના સંપર્કમાં આવવાથી જાળીની અંદર જમા થયેલો કચરો બળી જશે. ગરણી ગરમ કરશો એટલે તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. જ્યારે ગરણી એકદમ લાલ દેખાવા લાગે તો ગેસ બંધ કરી દો અને તેને થોડી ઠંડી થવા દો. ત્યાર પછી ગરણીને પાણી ભરેલા વાસણમાં પલાળી દો. જ્યારે ગરણી એકદમ ઠંડી થઈ જાય તો નોર્મલ સ્ક્રબની મદદથી ગરણીને સાફ કરી લો. આ રીતની મદદથી ગરણીની ઝીણી જાળીમાં ફસાયેલો કચરો પણ બળી ગયો હશે અને પાણીમાં નીકળી જશે.
પ્લાસ્ટિકની ગરણીની જાળી સાફ કરવાની રીત
જો તમે ચા ગાળવા માટે પ્લાસ્ટિકની ગરણીનો ઉપયોગ કરો છો તો તેની જાળીની અંદર જામેલો કચરો સાફ કરવા માટે આ રીતે ફોલો કરો. તેના માટે ગરણી ડૂબે તેવા વાસણમાં ગરમ પાણી ભરો. ગરમ પાણીમાં બેકિંગ સોડા, વિનેગર, મીઠું ઉમેરો અને ચમચી વડે બરાબર હલાવો જેથી બધી જ વસ્તુ પાણીમાં ઓગળી જાય. હવે તૈયાર કરેલા મિશ્રણમાં ગરણીને થોડી મિનિટ માટે પલાળી દો. પાણી ઠંડુ થાય ત્યાં સુધી ગરણી તેમાં રાખો. ત્યારબાદ પાણીમાંથી ગરણી કાઢો અને બ્રશ તેમજ લિક્વિડ ડિટર્જન્ટ ની મદદથી ગરણી ને સાફ કરો અને તડકામાં સૂકવી દો. આ રીતે પ્લાસ્ટિકની ગરણીની જાળીમાં જામેલો કચરો નીકળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)