શરદ પૂર્ણિમાની રાત્રે બનતા દૂધ પૌવાનું મહત્વ શું છે, શા માટે દૂધ પૌવા ખાવા જોઈએ અને આ દૂધ પૌવા બનાવવાની રીત કઈ છે ચાલો આજે બધું જ તમને જણાવીએ.
શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાનો ચંદ્ર સોળેકળાએ ખીલેલો હોય છે. આ રાત્રે દૂધ પૌવા બનાવી ચંદ્રના પ્રકાશમાં રાખી તેને ખાવાથી દૂધમાં ઔષધીય ગુણ વધે છે. આ ગુણ શરીરને ફાયદો કરે છે. આ સિવાય એવી પણ માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એટલા માટે ચંદ્ર પ્રકાશમાં રાખેલા દૂધ પૌવા પણ ઔષધીય બની જાય છે. જો કે આ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. આયુર્વેદ અનુસાર ચંદ્ર પ્રકાશમાં રાખેલા પૌવા શરીરમાં શીતળતા વધારે છે જે પિત્તને શાંત કરે છે.
1 લીટર ફૂલ ફેટ દૂધ
અડધો કપ જાડા પૌવા
એલચી પાવડર
અડધો કપ ખાંડ
ડ્રાયફ્રુટ્સ જરુર અનુસાર
કેસર
- સૌથી પહેલા જાડા તળીયાના વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. દૂધને સતત હલાવતા રહો જેથી દૂધ બળે નહીં.
- દૂધ ઉકળવા લાગે એટલે ગેસ સ્લો કરો અને ધીમા તાપે દૂધને 5 થી 10 મિનિટ ઉકાળો જેથી દૂધ ઘટ્ટ થઈ જાય.
- બીજી તરફ પૌવાને પાણીમાં પલાળી 2 વખત પાણીથી સાફ કરો જેથી તેની ગંદકી નીકળી જાય.
- પલાળેલા પૌવાને સાઈડ પર રાખો જે તે બરાબર ફુલી જાય.
- દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ્સ, કેસર અને ખાંડ ઉમેરી દો.
- ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધ હલાવો અને પછી તેમાં પલાળેલા પૌવા ઉમેરી દો.
- પૌવા ઉમેર્યા પછી દૂધને 5 મિનિટ ઉકાળો અને એલચી પાવડર ઉમેરી ગેસ બંધ કરો.
- તૈયાર કરેલા પૌવાને ઠંડા કરવા ચંદ્રના પ્રકાશમાં મુકો. દૂધ પૌવા ઠંડા થઈ જાય એટલે પરિવાર સાથે સ્વાદિષ્ટ અને ઠંડા દૂધ પૌવાની મજા માણો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)