કલાકંદ દૂધમાંથી બનતી મીઠાઈ છે.. ઘરમાં દૂધ ફાટી જાય તો તેમાં કેટલીક સામગ્રી ઉમેરીને તમે ઘરે પણ સ્વાદિષ્ટ અને દાણેદાર કલાક બનાવી શકો છો.. જો તમારા ઘરમાં મીઠાઈ ખાવાના શોખીન લોકો હોય તો આ રીત વાંચી લો અને પછી જ્યારે દૂધ ફાટે ત્યારે તેને ફેંકવાને બદલે તેમાંથી સ્વાદિષ્ટ કલાકંદ બનાવજો.
ફાટેલું દૂધ
તાજુ દૂધ
ખાંડ દૂધના પ્રમાણ અનુસાર
એલચી પાવડર
સજાવટ માટે બદામ અને પિસ્તાની કતરણ.
1. સૌથી પહેલા તો જે દૂધ ફાટી ગયું હોય તેને મલમલના કપડાની મદદથી ગાળી લો. ફાટેલા દૂધને ઠંડા પાણીથી સાફ કરો જેથી તેમાં રહેલી ખટાશ નીકળી જાય. ત્યાર પછી ફાટેલા દૂધને થોડી મિનિટ કપડામાં રહેવા દો જેથી તેમાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય.
2. ત્યાર પછી ફાટેલા દૂધને એક મોટી પ્લેટમાં કાઢો. અને હળવા હાથે ધીરે ધીરે મસળો જેથી ફાટેલું દૂધ દાણેદાર બની જાય.
3. ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મુકો અને તેમાં અડધો કપ દૂધ અને પાણી કાઢેલું ફાટેલું દૂધ ઉમેરી દો અને મિશ્રણને ધીમા તાપે ઉકળવા દો. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી બળી ન જાય.
4. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી દો. જો એકથી દોઢ લીટર દૂધ ફાટ્યું હોય અને તેના માવાનો તમે ઉપયોગ કર્યો હોય તો કલાકંદ બનાવવામાં 4 થી 5 મોટી ચમચી ખાંડ ઉમેરી શકો છો. ખાંડનું પ્રમાણ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો.
5. ખાંડ ઉમેર્યા પછી મિશ્રણને સતત હલાવતા રહો.. જ્યારે કલાકંદ એકદમ ઘટ્ટ થઈ જાય અને કઢાઈની કિનારી છોડવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો. એલચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો.
6. હવે એક થાળી કે ટ્રેમાં ઘી લગાડો અને તેમાં તૈયાર કરેલું કલા કંદ પાથરી દો.. કલાકંદનું મિશ્રણ ગરમ હોય ત્યારે તેના પર પિસ્તા અને બદામની કતરણ છાંટી દો. ત્યાર પછી મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેના ટુકડા કરી લો. બસ રેડી થઈ જશે સ્વાદિષ્ટ કલાકંદ