ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ T20I સિરીઝની બાકી મેચો માટે પોતાની ટીમમાં ઘણા ફેરફાર કર્યાં છે. લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી ત્રીજી T20I મેચમાં રમશે નહીં. ફર્ગ્યુસન ચોથી અને પાંચમી મેચમાં પરત આવશે, જ્યારે હેનરી આગામી વનડે સિરીઝની તૈયારી કરશે. ન્યૂઝીલેન્ડે વ્યસ્ત કાર્યક્રમને કારણે ફાસ્ટ બોલરોનો વર્કલોડ મેનેજ કરવા માટે તેને રોટેટ કરવાનો નિર્ણય કર્યો છે.
લોકી ફર્ગ્યુસન ચોથી અને પાંચમી ટી20 માટે ટીમ સાથે જોડાશે. તો હેનરી ક્રાઇસ્ટચર્ચમાં રોકાશે અને 2 નવેમ્બરે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડની વનડે ટીમ સાથે જોડાશે. કાઇલ જેમીસન પણ ટી20 સિરીઝમાંથી બહાર રહી શકે છે. મંગળવારે ત્રીજી મેચ બાદ તે વેલિંગટનમાં રોકાશે અને 31 ઓક્ટોબરે સેલો બેસિન રિઝર્વમાં ફોર્ડ ટ્રોફીના બીજા રાઉન્ડમાં કેન્ટરબરી માટે રમશે. ત્યારબાદ વનડે સિરીઝ માટે નેશનલ ટીમમાં વાપસી કરશે.
બ્લેયર ટિકનર સિરીઝની અંતિમ ત્રણ મેચ માટે વેલિંગટનમાં ટી20 ટીમ સાથે જોડાશે. જોશ ક્લાર્કસન અંતિમ બે મેચ માટે ઓકલેન્ડમાં ટીમમાં જોડાશે. મેટ ફિશર ત્રીજી ટી20 માટે કવર તરીકે ટીમ સાથે વેલિંગટન જશે. બુધવારે તે લિંકન યુનિવર્સિટીમાં ન્યૂઝીલેન્ડ A ટીમ સાથે પરત જોડાશે. આ ફેરફારને કારણે ન્યૂઝીલેન્ડને ફાસ્ટ બોલિંગ વિભાગમાં વધુ વિકલ્પ મળશે, જેનાથી તે અલગ-અલગ ફોર્મેટમાં ખેલાડીઓની ફિટનેસને મેનેજ કરી શકશે.
ન્યૂઝીલેન્ડના હેડ કોચ રોબ વાલ્ટરે કહ્યુ કે ટીમની પાસે ખેલાડીઓને રોટેટ કરવા માટે બેંચ સ્ટ્રેન્થ છે, જેનાથી તે પોતાના વ્યક્ત કાર્યક્રમ માટે તૈયારી કરી શકે છે. તેમણે કહ્યું કે ટીમમાં ઘણી મજબૂતી છે. તેનાથી અલગ-અલગ ખેલાડીઓને તક આપી શકે છે, જેનાથી ફાસ્ટ બોલરોનો વર્કલોડ મેનેજ કરવામાં મદદ મળે છે. ન્યૂઝીલેન્ડ પોતાની આ મજબૂતીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, કારણ કે તે ભારત વિરુદ્ધ ટી20 સિરીઝ બાદ વનડે અને ટેસ્ટ સિરીઝ પણ રમશે.
પાંચ મેચની ટી20 સિરીઝમાં ભારતીય ટીમ 2-0થી આગળ છે. ભારતે પ્રથમ અને બીજી ટી20 મેચમાં રનચેઝ કરી જીત મેળવી હતી. હવે અય્યર સેનાની નજર ત્રીજી ટી20 મેચ જીતીને સિરીઝ કબજે કરવા પર છે. જ્યારે મિચેલ સેન્ટનરની ટીમ ત્રીજી ટી20 મેચમાં વાપસી કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.