Farali Idli Recipe: નવરાત્રી દરમિયાન ઘરમાં કોઈ વ્રત કરતું હોય તો રોજ તેના માટે અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવવાની થાય છે. ફરાળી વાનગીમાં સામાન્ય રીતે સાબુદાણાની ખીચડી, રાજગરાની પુરી અથવા થેપલા, બટેટાની સૂકી ભાજી, સામાની ખીચડી કે પછી સાબુદાણા વડા સૌથી વધુ બને છે. પરંતુ આ વખતની નવરાત્રીના વ્રતમાં જો તમારે ફરાળમાં વેરાઈટી લાવવી હોય તો ફરાળી ઈડલી બનાવી શકો છો.
ફરાળની એકની એક વસ્તુઓ ખાઈને જો પરિવારના લોકો કંટાળી ગયા હોય તો તેમને નવરાત્રીના વ્રત દરમ્યાન ફરાળી ઈડલી બનાવીને ખવડાવો. ઈડલી ની ખાસ વાત એ છે કે તેના બેટરમાં આથો લાવવાની જરૂર પડતી નથી. એટલે કે જો તમે સવારે નક્કી કરો કે નાસ્તામાં ફરાળી ઈડલી બનાવી છે તો પણ શક્ય છે ફરાળી ઈડલી માત્ર 30 મિનિટમાં કોઈપણ પ્રકારની ઝંઝટ વિના બની જાય છે. તો ફટાફટ નોંધી લો ફરાળી ઈડલી કેવી રીતે બનાવવાની અને તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે.
ફરાળી ઈડલી માટે સામગ્રી
એક કપ સામો
અડધો કપ સાબુદાણા
અડધો કપ ખાટું દહીં
આદુ મરચાની પેસ્ટ બે ચમચી
સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
ઈનો
તેલ
ફરાળી ઈડલી બનાવવાની રીત
ફરાળી ઈડલી બનાવવા માટે બસ આટલી સામગ્રીની જ જરૂર પડશે. ઈડલી બનાવવાની શરૂઆત સાબુદાણા અને સામાને પીસીને કરવાની છે. સાબુદાણા અને સામો એકસાથે મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. હવે તૈયાર કરેલા પાવડરને એક બાઉલમાં કાઢો અને તેમાં ખાટું દહીં ઉમેરો. જો મિશ્રણ વધારે ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી ઉમેરીને મિશ્રણને થોડું પાતળું કરો.
સાબુદાણા અને સામાના મિશ્રણને પાણી ઉમેર્યા પછી લગભગ 20 મિનિટ ઢાંકીને રાખી દો. જેથી સાબુદાણા અને સામો બરાબર પલળી જાય. 20 મિનિટ પછી ઇડલીના બેટરમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરો અને સાથે જ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરો.
બેટરને બરાબર મિક્સ કરો અને તેમાં બે ચમચી તેલ ઉમેરો જેથી ઈડલી એકદમ સોફ્ટ બને. ત્યાં સુધીમાં ઈડલીને સ્ટીમ કરવા માટે સ્ટીમર ગરમ કરવા મૂકી દો. સ્ટીમર ગરમ થઇ જાય એટલે ઈડલીના તૈયાર કરેલા બેટરમાં એક પેકેટ ઇનો અને થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરો. બેટર ફૂલી જાય એટલે તુરંત જ તેને ઈડલીના સ્ટેન્ડમાં મૂકી દો અને બધી જ ઈડલીને સ્ટીમ થવા દો.
10 થી 15 મિનિટ ઇડલીને સ્ટીમ થવા દો અને પછી એક વખત ઈડલી ચેક કરી લો. જો એટલે બરાબર ખૂબ થઈ ગઈ હોય તો ગેસ બંધ કરીને ગરમાગરમ ઈડલી સર્વ કરો.
જો તમે ઈડલીને વધારે ટેસ્ટી બનાવવા માંગતા હોય તો ઈડલીનું બેટર સ્ટીમ કરવા મૂકો તે પહેલા તેમાં જીરું અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીને એડ કરી દો. આ રીતે વઘારેલા બેટરની ઈડલી પણ ટેસ્ટી લાગે છે. ફરાળી ઈડલી માટે તમે દહીં અને નાળિયેરની ચટણી બનાવી શકો છો. આ ઈડલી કોથમીર અને સિંગદાણાની ફરાળી ચટણી સાથે પણ ટેસ્ટી લાગે છે.