Sabudana Vada Recipe:સાબુદાણા વડા ઉપવાસમાં સૌથી વધુ ખવાતી વાનગી છે. સાબુદાણા વડા સૌથી સરળ ફરાળી વાનગી છે. સાબુદાણા વડામાં સાબુદાણા, બટેટા, સિંગદાણા અને થોડા મસાલાની જ જરૂર પડે છે. પરંતુ તેમ છતાં જો વડા બનાવતી વખતે સાબુદાણા અને બટેટાના માપનું ધ્યાન રાખવામાં ન આવે તો વડા ક્રિસ્પી નથી થતા અને તેમાં તળતી વખતે તેલ પણ વધારે રહી જાય છે. સાબુદાણા વડા બનાવવા ખૂબ ઈઝી છે પણ તેમાં માપનું ધ્યાન રાખવું જરૂરી છે.
જો તમે પણ સાબુદાણા વડા બનાવો ત્યારે આવી તકલીફો થાય છે તો આજે તમને જણાવીએ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને તેલ ન રહે તેવા વડા કેવી રીતે બનાવવા અને તેમાં કઈ સામગ્રી કયા માપથી લેવાની. આ વર્ષે આ માપ અને રીત ફોલો કરીને સાબુદાણા વડા બનાવજો. ઘરના લોકો તમારા વખાણ બેમોઢે કરશે.
સાબુદાણા વડા માટે સામગ્રીનું માપ
સૌથી સારા સાબુદાણા વડા એ હોય જે ઉપરથી ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી હોય, અંદરથી ચટાકેદાર અને સોફ્ટ હોય અને તેમાં તેલ ન રહે. આવા વડા બનાવવા માટે સાબુદાણા, બટેટા અને સિંગદાણાના માપને ખાસ યાદ રાખી લો. આ વસ્તુઓને એક, ડબલ અને અડધું આ રીતે લેવાની હોય છે. એટલે કે વાટકો પલાળેલા સાબુદાણા હોય તો બે મિડિયમ સાઈઝના બાફેલા બટેટા લેવા અને અડધી વાટકી શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર લેવો.
સાબુદાણા વડા માટેની સામગ્રી
પલાળેલા સાબુદાણા 1 વાટકો
બાફેલા બટેટા 2
સિંગદાણાનો પાવડર અડધો વાટકો
આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
ખાંડ અને લીંબુ
સાબુદાણા વડા બનાવવાની રીત
1. સૌથી પહેલા એક મોટી પ્લેટ કે બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરો. વડા બનાવવા હોય તો બાફીને ઠંડા કરેલા બટેટા જ લેવા.
2. બટેટાની પેસ્ટમાં આદુ મરચાંની પેસ્ટ, ખાંડ, મીઠું અને લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરો.
3. ત્યારબાદ બટેટાના મિશ્રણમાં સાબુદાણા, સિંગદાણાનો પાવડર ઉમેરો.
4. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી તેમાં કોથમીર ઉમેરો.
5. તૈયાર કરેલા મિશ્રણમાંથી વડા બનાવો અને સાઈડમાં તેલ ગરમ કરો.
6. તેલ ગરમ થઈ જાય એટલે ગેસને મિડીયમ ફ્લેમ પર રાખી વડા તળવા મુકો. ઠંડા તેલમાં વડા તળશો તો વડા તેલવાળા થશે.
7. વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી કાઢી ગરમાગરમ સર્વ કરો.
આ માપ અને રીત અનુસાર એકવાર સાબુદાણા વડા બનાવજો. આ રીતે એકદમ પરફેક્ટ સાબુદાણા વડા બનશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)