ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા
ઓમાનના સમુદ્રી કિનારા પાસે ભારતીય ઝંડાવાળા એક માલવાહક જહાજ પર હુમલો થયો છે. આ ઘટનામાં ગુજરાતના એક ભારતીય નાવિકનું મોત થયું છે, જ્યારે 13ને ઓમાનની નૌસેનાએ સુરક્ષિત બચાવી લીધા છે.
ઓમાનના સમુદ્રી કિનારા પાસે ભારતીય ધ્વજવાળા માલવાહક જહાજ પર સોમવારે હુમલો થયો છે. આ ઘટનામાં જહાજમાં સવાર એક ભારતીય નાવિકનું મોત થયું, જ્યારે 13 અન્યને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે મંગળવારે તેની જાણકારી આપી છે.
મંત્રી પ્રમાણે ભારતીય જહાજ એમએસવી અલ જુસુફી (MSV AL JUSUFI) ઓમાનના કિનારા પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કોઈ અજાણી વસ્તુએ તેને નિશાન બનાવ્યું. જહાજ પર કુલ 14 ભારતીય નાવિક સવાર હતા. હુમલામાં ઘાયલ એક નાવિકનું મોત થયું છે. આ નાવિક ગુજરાતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેનું નામ ગાંધાર નાહિમ અઝીજ છે.
13 નાવિકોને ઓમાન નૌસેનાએ બચાવ્યા
સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે જહાજ પર હાજર 13 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ઓમાનની નૌસેનાએ તેનું રેસ્ક્યુ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. દૂતાવાસનો પ્રયાસ છે કે સુરક્ષિત બચાવી લેવામાં આવેલા તમામ 13 ભારતીય નાવિકોને જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે.
મૃત નાવિકના પાર્થિવ શરીરને ભારત લાવવાની તૈયારી
મંત્રીએ જણાવ્યું કે જહાજ પર હુમલા બાદ સરકાર તરફથી રાહત અને બચાવના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મંત્રાલયનું લક્ષ્ય સુરક્ષિત બચેલા ચાલક દળના સભ્યોની સાથે મૃત નાવિકના પાર્થિવ શરીરને પણ જલ્દી ભારત પરત લાવવાનું છે.
આ પણ વાંચોઃ નેપાળમાં મોટી દુર્ઘટના, માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર અથડાયા, 1નું મોત
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતીય જહાજો પર હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ભારતીય ઝંડાવાળા જહાજો પર હુમલાની ઘટનાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આ પહેલા મેમાં પણ એક ભારતીય માલિકીવાળું જહાજ ઓમાનના જળક્ષેત્રમાં અજાણ્યા હુમલા બાદ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી હતી.
રિપોર્ટ પ્રમાણે 28 ફેબ્રુઆરીએ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ જહાજો અને તેલ ટેન્કરો પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 22 ભારતીય નાગરિકોના મોત થઈ ગયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પાછલા મહિને એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષને લઈને ભારત ખુબ ચિંતિત છે. આ સંઘર્ષમાં 22 ભારતીય નાગરિકોના મોત થયા છે, જેમાં 14 નાવિક સામેલ છે. ભારતે જહાજો પર થઈ રહેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને નાવિકોની સામૂહિક સુરક્ષાની ખાતરી કરવા પર ભાર મુક્યો છે.