સાહિલ સપ્પા/રાજકોટ: રાજકોટ AIIMSમાં ફરજ બજાવતી 25 વર્ષીય MBBS ઇન્ટર્ન મહિલા ડોક્ટર સાથે કથિત જાતીય સતામણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. મહિલા ડોક્ટરે AIIMSના નર્સિંગ સ્ટાફના કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી નર્સિંગ સ્ટાફ અગાઉ પણ મહિલા ડોક્ટર સાથે અવારનવાર ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરતો હતો.
લલિત શર્મા નામના પરણિત નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ
એટલું જ નહીં, ડ્રેસિંગ રૂમમાં એકાંતનો લાભ લઈ મહિલા ડોક્ટરની મરજી વિરુદ્ધ શારીરિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 75(2) હેઠળ લલિત શર્મા નામના પરણિત નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી લલિત શર્માની ધરપકડ કરી છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહિલા ડોક્ટરે વિરોધ કરતાં તેણે ફોન પરત કર્યો
25 વર્ષીય મહિલા ઇન્ટર્ન ડોકટર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 25 સપ્ટેમ્બરથી તેની ડ્યુટી AIIMS હોસ્પિટલના ડ્રેસિંગ વિભાગમાં હતી. તા. 26 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 1 વાગ્યા દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં ફરજ પર હતી ત્યારે તેની સાથે હેલ્પમાં રહેલા નર્સિંગ સ્ટાફના લલીત શર્મા નામના કર્મચારીએ તેનો મોબાઇલ ફોન લઈ તેમાં રહેલા ફોટા જોવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ડોક્ટરે વિરોધ કરતાં તેણે ફોન પરત કર્યો હતો. તા. 30 સપ્ટેમ્બરે સવારે 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન ફરી બંનેની ડ્રેસિંગ વિભાગમાં સાથે ડ્યુટી હતી.
ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા હૈ?
તે સમયે કોઈ દર્દી ન હોવાથી આરોપીએ રૂમનો દરવાજો આડો કરીને મહિલા ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ તેને બહાર જમવા જવાનું કહ્યું હતું અને પાર્ટી આપવાની વાત કરી હતી. મહિલા ડોક્ટરે ઇનકાર કરી પોતે મેસમાં જમતી હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે આરોપીને તેના લગ્ન થઈ ગયા હોવાનું જણાવી આવી રીતે વારંવાર ફ્લર્ટ કરવાનું યોગ્ય ન હોવાનું કહ્યું હતું. ત્યારે લલિત શર્માએ મહિલા ડોક્ટરને કહ્યું હતું કે, "ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા હૈ?" તેમ કહી અયોગ્ય ટિપ્પણી કરી મહિલા ડોક્ટર સાથે વાતચીત ચાલુ રાખી હતી.
‘આપ ઐસા નહીં કર શકતે’ કહી વિરોધ કર્યો
મહિલા ડોક્ટર ડ્રેસિંગ રૂમમાં ખુરશી પર બેઠી હતી ત્યારે આરોપીએ ખુરશી સહિત તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલા ડોક્ટરને સ્ટીલની ત્રણ ખુરશી જોડીને બનાવેલા બાકડા પર બેઠી હતી. ત્યારે આરોપી તેની બાજુમાં આવીને બેઠો હતો. આ દરમિયાન આરોપીએ મહિલા ડોક્ટરને કમરના ભાગે સ્પર્શ કરવાનો ઇશારો કરીને ‘Can I touch you?’ એવું પૂછ્યું હતું. મહિલા ડોક્ટરે સ્પષ્ટપણે ‘આપ ઐસા નહીં કર શકતે’ કહી વિરોધ કર્યો હોવા છતાં આરોપીએ કથિત રીતે તેની કમરમાં હાથ નાખી તેને પકડી હતી અને ત્યારબાદ ખભા પર હાથ મૂક્યો હતો. આ ઘટનાથી મહિલા ડોક્ટર ગભરાઈ ગઈ હતી અને તરત જ ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીકળી ઈમરજન્સી વિભાગમાં ગઈ હતી. ત્યાં તેણે પોતાના સાથી કર્મચારીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મૂળ રાજસ્થાનના પાલીનો રહેવાસી હોવાનું ખૂલ્યું!
મહિલા ડોક્ટરના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ તેની સાથે ઇન્ટર્નશીપ કરતા અન્ય સાથીઓને પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગીય સ્તરે ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ફરિયાદી મહિલા ડોક્ટરે AIIMSના ચેરમેનને પણ લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસની પ્રાથમિક તપાસમાં લલિત શર્મા હાલ રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં રહેતો હોવાનું તેમજ મૂળ રાજસ્થાનના પાલીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
હાલ ગાંધીગ્રામ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર મામલાની તપાસ અંતર્ગત પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્ર કરવા તેમજ સંબંધિત સાહેદોના નિવેદનો નોંધવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.