કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ પર સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી દરમિયાન સિક્યુરિટી તરીકે ફરજ બનાવનાર આરોપી વર્ષ 2003માં કર્મચારીઓના રૂ.94,685 લઈને થયો હતો. ફરાર આરોપી 2003થી ઓળખ અને મોબાઇલ-બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ સતત બદલતો રહ્યો હતો. રાજુલા પોલીસના છેતરપિંડીના ગુનામાં તે ફરાર હતો. છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા અને અમરેલી જિલ્લાના લીસ્ટેડ રૂ.10,000ના ઇનામી આરોપીને રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે.
સતત બદલતો રહ્યો ઓળખ
આરોપી વર્ષોથી પોતાની ઓળખ, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને સોશિયલ મીડિયા સહિતની કડીઓ બદલતો રહેતો હોવાથી પોલીસ માટે તેને શોધી કાઢવો પડકારરૂપ બન્યો હતો. અમરેલી SP સંજય ખરાત દ્વારા જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા અને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પીઆઇ વી.એમ. કોલાદરાની ટીમને આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી, મૂળ મુંબઈના મલાડનો રહેવાસી, છેલ્લા 23 વર્ષથી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું હતું. આરોપીને અમરેલી જિલ્લામાં લીસ્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ તેના પર રૂ.10,000નુ ઇનામ જાહેર કરાયું હતું.
કર્મચારીઓના પગાર લઈને ફરાર થઈ ગયો હતો
વર્ષ 2003માં આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. દરમિયાન કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પગારની રૂ.94,685ની રકમ લઈ તે ફરાર થઈ ગયો હતો. આ અંગે પીપાવાવના સિક્યુરિટી ઓફિસર ઉમેદસિંગ લાંબાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસમાં શું શું સામે આવ્યું?
કઈ રીતે પોલીસના રડારમાં આવ્યો?
આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સતત તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન આરોપીના જૂના ફોટા પરથી રાજસ્થાનની નવજ્યોત મનોવિકાસ કેન્દ્ર સંસ્થા સાથેની એક કડી મળી આવી હતી. પોલીસે સંસ્થાની વિગતો મેળવી ત્યાંથી મળેલી માહિતી અને હ્યુમન સોર્સના આધારે આરોપીનો ચાલુ મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ નંબર પ્રકાશ રતિલાલ શાહ નામની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરતાં આ વ્યક્તિ જ વર્ષ 2003ના ગુનામાં ફરાર આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી હોવાનું પોલીસને ખાતરી થઈ હતી.
લવ મેરેજ કરી પરિવાર સાથે પણ તોડ્યા હતા સંપર્ક
ચોક્કસ લોકેશન અને સરનામું મળ્યા બાદ રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબી ખાતે કાર્યવાહી કરી આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણીને ઝડપી પાડ્યો હતો. હાલ તે પ્રકાશ રતિલાલ શાહ, ઉંમર 60 વર્ષ, સિક્યુરિટી નોકરીના નામે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે તેણે વર્ષ 1988થી પોતાનું ઘર અને મુંબઈ છોડી દીધું હતું. ત્યારબાદ વર્ષ 1995માં વાપી ખાતે લવ મેરેજ કર્યા હતા અને તેમને બે દીકરીઓ પણ હતી. જોકે વર્ષ 2000 બાદ તેણે પરિવાર સાથેનો સંપર્ક પણ તોડી નાખ્યો હતો.
રીઢો ગુનેહગાર! જ્યાં નોકરી કરતો ત્યાંથી ચોરી કરી ભાગી જતો
આરોપીએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હોવાનું જણાવાયું છે કે, તે જ્યાં નોકરી કરતો ત્યાંથી નાની-મોટી રકમ લઈને નોકરી છોડી ફરાર થઈ જતો હતો અને આ રીતે પોતાની પાછળની હિસ્ટ્રી છુપાવવાનો પ્રયાસ કરતો હતો આરોપીએ અગાઉ અન્ય કોઈ મોટો ગુનો કર્યો છે કે કેમ તે અંગે રાજુલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.