હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી 2011માં યોજાઈ હતી. તે સમયે કુલ 11 વોર્ડ અને 33 બેઠકો હતી. જેમાં કોંગ્રેસે 18 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી. જોકે રસપ્રદ બાબત એ હતી કે બેઠકમાં કોંગ્રેસ આગળ હોવા છતાં મત ટકાવારીમાં ભાજપ આગળ હતું. ભાજપને 44.93 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 44.20 ટકા મત મળ્યા હતા. એટલે કે બંને પક્ષ વચ્ચે મત ટકાવારીનો તફાવત માત્ર 0.73 ટકા હતો. ભાજપને 95 હજાર 696 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 94 હજાર 153 મત મળ્યા હતા. 2011માં ગાંધીનગરમાં આશરે 59 ટકા મતદાન થયું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષ 2016માં ચિત્ર બદલાયું
2016ની ચૂંટણીમાં નવી સીમાંકન વ્યવસ્થા હેઠળ કુલ 32 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપને 16 બેઠકો મળી હતી. કોંગ્રેસને પણ 16 બેઠકો મળી હતી, પરંતુ મત ટકાવારીમાં કોંગ્રેસ આગળ રહી હતી. કોંગ્રેસને 46.93 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને 44.76 ટકા મત મળ્યા હતા. અન્ય પક્ષોને 8.31 ટકા મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસનો મત હિસ્સો ભાજપ કરતાં 2.17 ટકા વધારે હતો. 2016માં મતદાન આશરે 52 ટકા રહ્યું હતું.
પ્રથમ 4 મેયર → વોર્ડ નં. 5માંથી બન્યા, જાણો કયારે કોણ હતું મેયર
| 2011 | મહેન્દ્રસિંહ રાણા |
| 2015 | હંસાબેન મોદી |
| 2016 | પ્રવીણ પટેલ |
| 2019 | રીટાબેન પટેલ |
| 2021 | હિતેશ મકવાણા |
| 2024 | મીરાબેન પટેલ |
વર્ષ 2021માં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો
2021ની ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાનું રાજકીય ગણિત સંપૂર્ણપણે બદલાયું. કુલ 44 બેઠકો અને 11 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. મતદાન 56.24 ટકા રહ્યું હતું. ભાજપને 41 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી હતી અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. મત ટકાવારીની વાત કરીએ તો ભાજપ 46.49 ટકા, કોંગ્રેસ 28.02 ટકા, આમ આદમી પાર્ટી 21.77 ટકા અને અન્ય 3.73 ટકા હતું. એટલે કે 2016ની સરખામણીમાં ભાજપની મત ટકાવારીમાં માત્ર આશરે 1.73 ટકાનો વધારો થયો હતો પરંતુ બેઠકો 16થી વધીને 41 થઈ ગઈ.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2011 થી 2021
2021 મનપા ચૂંટણીના પરિણામો
| ભાજપ | 41 બેઠકો |
| કોંગ્રેસ | 2 બેઠકો |
| અન્ય | 1 બેઠક |
| કુલ | 44 બેઠકો |
બીજી તરફ કોંગ્રેસની મત ટકાવારી 46.93થી ઘટીને 28.02 ટકા થઈ હતી એટલે લગભગ 18.91 ટકાનો ઘટાડો થયો. 2021માં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ 21.77 ટકા મત મેળવ્યા અને એક બેઠક જીતી.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વર્ષ 2011થી 2021 સુધી વોટ પેટર્નમાં મોટો ફેરફાર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2011થી 2021 સુધી વોટ પેટર્નમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી 2011માં યોજાઈ હતી. 2011માં કુલ 33 બેઠકોમાંથી કોંગ્રેસે 18 અને ભાજપે 15 બેઠકો જીતી હતી, પરંતુ મત ટકાવારીમાં ભાજપ 44.93 ટકા સાથે કોંગ્રેસના 44.20 ટકાથી આગળ હતું.
2016માં ગાંધીનગર મનપામાં આખું ચિત્ર બદલાયું
2016માં બંને પક્ષોને 16 16 બેઠકો મળી હતી. પરંતુ મત ટકાવારીમાં કોંગ્રેસ 46.93 ટકા સાથે ભાજપના 44.76 ટકા કરતાં આગળ રહી હતી. ત્યારબાદ 2021માં ગાંધીનગરની ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો. ભાજપે 44માંથી 41 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ચૂંટણી લડીને 1 બેઠક મેળવી. મત ટકાવારીમાં ભાજપ 46.49 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું. કોંગ્રેસને 28.02 ટકા અને આમ આદમી પાર્ટીને 21.77 ટકા મત મળ્યા હતી.
2021માં ત્રિકોણીય મુકાબલો
અર્થાત 2016થી 2021 વચ્ચે કોંગ્રેસના મતમાં લગભગ 19 ટકાનો ઘટાડો થયો જ્યારે ભાજપના મતમાં આશરે 1.7 ટકાનો વધારો થયો. સાથે જ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગાંધીનગરની ચૂંટણીનું વોટ પેટર્ન દ્વિપક્ષીયમાંથી ત્રિકોણીય બન્યું અને માત્ર ત્રણ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાનું રાજકીય ગણિત 2011ની કોંગ્રેસની 18 બેઠકોમાંથી 2021માં ભાજપની 41 બેઠકો સુધી પહોંચી ગયું.