Lunawada Gariya Murder Case : કહેવાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે અને પાપ ગમે તેટલું છુપાવો, એક દિવસ બહાર આવી જ જાય છે. મહીસાગરના લુણાવાડા તાલુકાનું ગરીયા ગામ. જ્યાં થોડા દિવસો પહેલા પ્રવીણભાઈ વણકર નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આ કોઈ સામાન્ય મોત નહોતું પરંતુ ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યા હતી. મહીસાગર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી. પોલીસ રાત-દિવસ એક કરીને કડીઓ જોડી
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પ્રવીણભાઈની હત્યા કોઈ બહારના દુશ્મને નહીં, પરંતુ તેમના જ ઘરમાં રહેતી તેમની અર્ધાંગિની મનીષાએ કરી હતી. હા, મનીષા વણકર પોતાના જ પતિના લોહીની તરસી બની ગઈ હતી. મનીષાને કોલવણ ગામના હિતેશ પટેલ નામના યુવક સાથે આડા સંબંધો હતા. આ પ્રેમ સંબંધમાં પતિ પ્રવીણભાઈ નડતરરૂપ બનતા હતા. બસ, આ જ નડતરને કાયમ માટે રસ્તામાંથી હટાવવા માટે પત્ની મનીષા અને તેના પ્રેમી હિતેશે ઘડ્યું એક ખોફનાક કાવતરું..
યોજના મુજબ, મનીષા અને તેના પ્રેમી હિતેશે ઘરની ચાર દીવાલો વચ્ચે જ પ્રવીણભાઈ પર લાકડી અને કપડાં ધોવાના ધોકા વડે ઘાતકી હુમલો કરી દીધો. પ્રવીણભાઈ જીવ બચાવવા કરગરી રહ્યા હતા, પણ કળિયુગી પત્ની અને તેના પ્રેમીના દિલમાં દયા ન જાગી...ઘાતકી પ્રહારો કરીને પ્રવીણભાઈને કાયમ માટે મોતની ઊંઘ સુવડાવી દીધા..
પાપ છુપાવવા માટે રાતોરાત લાશને ઘરની બહાર ફેંકી દીધી. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે પ્રેમી હિતેશે મનીષાને છૂપી રીતે વાત કરવા માટે સ્પેશિયલ મોબાઈલ પણ લઈ આપ્યો હતો. જોકે, મહીસાગર પોલીસે ગણતરીના દિવસોમાં મનીષા વણકર અને તેના પ્રેમી હિતેશ પટેલને દબોચી લીધા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ઘટનાએ સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સરજાવ્યો છે, જ્યાં ક્ષણિક મોહ અને આડા સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો...