સંદીપ વસાવા/સુરત: સુરત જિલ્લા ઓલપાડના કીમ વિસ્તારમાં ઓનલાઈન કમાણીની લાલચ આપી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, બે Instagram ID મારફતે ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને શરૂઆતમાં YouTube વીડિયો Like અને Subscribe કરવાના કામ આપીને કમાણી કરાવવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને Bitcoin અને ઓનલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરવાથી 40થી 50 ટકા સુધી નફો મળવાની લાલચ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરિયાદી પાસેથી 1 લાખ 30 હજાર રૂપિયા પડાવવાનો આરોપ
ફરિયાદીએ શરૂઆતમાં 1 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ નફો થયો હોવાનું જણાવી અલગ-અલગ UPI ID મારફતે વધુ રકમ જમા કરાવવામાં આવી હતી. ધીમે-ધીમે રોકાણની રકમ વધારવામાં આવી અને ફરિયાદી પાસેથી કુલ આશરે 1 લાખ 30 હજાર રૂપિયા પડાવી લેવાયા હોવાનો આરોપ છે. જ્યારે ફરિયાદીએ વધુ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર જમા રકમ ફ્રીઝ થઈ ગઈ હોવાનું જણાવી વધુ રકમ પડાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ છે.
ડિજિટલ પુરાવાઓની તપાસ હાથ ધરી
સમગ્ર મામલે કીમ પોલીસ સ્ટેશનમાં BNSની સંબંધિત કલમો તેમજ IT Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ચાર જેટલા આરોપીઓની અટકાયત કરી નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓના નામ મોસિનસા અનવરસા દિવાન, રહેનસા ઈસ્માઈલ દિવાન, અરકાનમિયા ચાવડા અને મુસ્કાન ઈમ્તિયાઝ દિવાન હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ ચકલાસી, જિલ્લા નડિયાદના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
નફો કમાવવાની લાલચ આપતી આવી ઓફરથી સાવચેત
હાલ કીમ પોલીસે આરોપીઓના બેંક ખાતા, UPI ટ્રાન્ઝેક્શન, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે. ઓનલાઈન ટ્રેડિંગ અને સોશિયલ મીડિયા મારફતે ઝડપથી નફો કમાવવાની લાલચ આપતી આવી ઓફરથી સાવચેત રહેવાની જરૂર છે.