Ahmedabad Schools Bomb Threat: અમદાવાદમાં ફરી 10 મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતા હડકંપ મચી ગયો છે. એટલું જ નહીં, મોદી સ્ટેડિયમ અને મ્યુનિસિપલ કમિશ્નર કચેરીને પણ નિશાના પર લેવામાં આવી છે. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી. વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે...
આ ધમકીભર્યો ઈમેઈલ મળતાં જ વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, એશિયા સ્કૂલ સહિત તમામ સંબંધિત સ્થળો પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ધોરણે પહોંચી ગયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તુરંત જ શાળાઓના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
AMC કચેરીમાં બપોરે 1:11 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી, મેલમાં ખાલિસ્તાની કનેક્શનનો ઉલ્લેખ
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યા મેઈલમાં 'અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ' લખાણ લખવામાં આવ્યું છે. ઈ-મેઈલમાં ગુજરાતની શાળાઓને બપોરે 1:11 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની સીધી ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઈ-મેઈલમાં 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 1 નવેમ્બરે દિલ્હીના JLN સ્ટેડિયમ ખાતે યોજાનારા મ્યુઝિક સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને વહેલા રજા આપવાના નિર્ણયથી વાલીઓમાં દોડધામ મચી ગઈ...
શહેરની જે શાળાઓને ધમકીભર્યા મેઈલ મળ્યો છે તેની વાત કરીએ તો ઝાયડસ સ્કૂલ, વેજલપુર, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ, SGVP સ્કૂલ, છારોડી, સંત કબીર સ્કૂલ, એશિયા સ્કૂલ, ડ્રાઈવ-ઈન રોડ, એચ.બી. કાપડિયા (HBK) સ્કૂલ, મેમનગરનો સમાવેશ થાય છે. ઝાયડસ સ્કૂલ સહિતની મોટાભાગની શાળાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તુરંત વહેલી રજા આપી દીધી હતી. શાળા સંચાલકોએ પણ તુરંત જ વાલીઓને મેસેજ અને ફોન દ્વારા જાણ કરી બાળકોને ઘરે લઈ જવા માટે સૂચના આપી હતી. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
DEOના આદેશ છૂટ્યા
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઘટના અંગે DEOના રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "તમામ સંબંધિત શાળાઓને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. બાળકો અથવા વાલીઓમાં કોઈપણ પ્રકારનો પેનિક ન ફેલાય તે રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને વર્ગખંડોમાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે વાલીઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સાયબર ક્રાઈમ અને અમદાવાદ પોલીસ ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે આઈપી ટ્રેસ કરવાની દિશામાં તપાસ ચલાવી રહી છે.