નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. અને જ્યારે વાત આવે નવરાત્રિના નવમા નોરતાની, ત્યારે ગાંધીનગરના રૂપાલ ગામની વરદાયિની માતાની પલ્લીનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે રૂપાલમાં માતા વરદાયિનીની પલ્લી કાઢવામાં આવે છે. ખીજડાના લાકડામાંથી તૈયાર થતો આ પલ્લીરથ માત્ર એક ધાર્મિક પ્રતીક નથી. પરંતુ રૂપાલ ગામના અઢારે આલમની એકતા અને સર્વધર્મ સમભાવનું પણ પ્રતીક છે. પલ્લી તૈયાર કરવામાં ગામના વિવિધ સમાજના લોકો પોતાની પરંપરાગત સેવા આપે છે.વાલ્મીકિ સમાજ ખીજડાનું લાકડું લાવે છે.વાળંદ સમાજ વરખડાના સોટાથી પલ્લીને શણગારે છે. કુંભાર સમાજ માટીના કુંડા તૈયાર કરે છે. પિંજારા સમાજ કપાસ પૂરે છે.. પંચાલ સમાજ લાકડાના ખીલા આપે છે. માળી સમાજ ફૂલહારથી માતાજીને શણગારે છે..અને બ્રાહ્મણ સમાજ માતાજીનો પ્રસાદ તૈયાર કરે છે.પલ્લી તૈયાર થયા બાદ તેમાં માતાજીની છબી અને ગોખની સ્થાપના કરવામાં આવે છે.વિધિપૂર્વક ગંગાજળ, ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્થળને પવિત્ર કરવામાં આવે છે..ત્યાર બાદ પલ્લી પર પાંચ માટીના કુંડા સ્થાપિત કરવામાં આવે છે.
મધરાતે 12 વાગ્યા બાદ 5 દિવ્ય જ્યોત ધરાવતો આ પલ્લી રથ ગામમાં ભ્રમણ માટે નીકળ્યો હતો. આ દરમિયાન ભક્તોએ શુદ્ધ ઘીના અભિષેકથી ઘીની નદીઓ વહેતી કરી. સવારે પલ્લી રથ નીજ મંદિરે પરત ફર્યો હતો. માતાજીના દર્શન માટે ભક્તોની ભારી ભીડ ઉમટી પડી.
રૂપાલની પલ્લીની પરંપરા પાંડવકાળ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ પાંડવોના બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન તેઓ રૂપાલના જંગલ વિસ્તારમાં આવ્યા હતા. વરખડાના વૃક્ષ નીચે પાંડવોએ પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા.શસ્ત્રોની રક્ષા માટે તેમણે વરદાયિની માતાની પ્રાર્થના કરી હતી.યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવો, શ્રીકૃષ્ણ અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી હતી.પલ્લી પર પાંચ કુંડની સ્થાપના કરી અને ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હોવાની લોકવાયકા છે.

રૂપાલની પલ્લી માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર નથી. આ પરંપરા ગામમાં વસતા વિવિધ સમાજોને એકસાથે જોડે છે. પલ્લી બનાવવાથી લઈને માતાજીના પ્રસાદ અને શણગાર સુધી દરેક સમાજ પોતાની શક્તિ પ્રમાણે સેવા આપે છે. એટલે જ રૂપાલની પલ્લી આસ્થા સાથે એકતા અને સર્વધર્મ સમભાવનો પણ સંદેશ આપે છે. પાંડવકાળથી ચાલી આવતી હોવાની લોકમાન્યતા ધરાવતી રૂપાલની આ પલ્લી આજે પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના જયઘોષ વચ્ચે નીકળતી પલ્લી,ઘીનો અભિષેક અને અઢારે આલમની સહિયારી સેવા. આ બધું મળીને રૂપાલની પલ્લીને બનાવે છે ગુજરાતની અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતીક જોવા મળે છે.