Gandhinagar: રાજ્યના કૃષિ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત ખેતી સેવા સંવર્ગના ખેતી અધિકારી વર્ગ-2ના 115 અધિકારીઓની એકસાથે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને નવી જગ્યાએ નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
કૃષિ વિભાગ દ્વારા અધિકારીઓને તેમની હાલની ફરજની જગ્યાએથી બદલી કરીને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને કચેરીઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓમાં નાયબ ખેતી નિયામક, મદદનીશ ખેતી નિયામક, સંયુક્ત ખેતી નિયામક તથા જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.
કૃષિ વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ખેડા, પંચમહાલ, દાહોદ, કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાં અધિકારીઓની નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.
અધિકારીઓની બદલીની સાથે ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણૂક પણ કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને નાયબ ખેતી નિયામકની કચેરીઓમાં, જ્યારે અન્યને મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંબંધિત અધિકારીઓની બદલી અને નવી જગ્યાએ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આથી અધિકારીઓએ સરકારી આદેશ મુજબ પોતાની નવી ફરજની જગ્યાએ જવાબદારી સંભાળવાની રહેશે.
કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ વહીવટી ફેરફારથી રાજ્યની વિવિધ કચેરીઓમાં અધિકારીઓની જવાબદારીઓ અને ફરજનાં સ્થળોમાં ફેરફાર થશે.