31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકનાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 31 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના છે. તેવામાં એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને નવી ભેટ મળવાની છે. પ્રધાનમંત્રી દ્વારા IRCTCની નવી હોટલ અને ‘રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે IRCTCની નવી હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 127 રૂમની આ આધુનિક હોટેલ પ્રવાસીઓને રોકાણ માટે ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આશરે બે એકર વિસ્તારમાં આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોટેલમાં ચાર અલગ-અલગ પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સની સુવિધાઓ તેમજ સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર ઉપલબ્ધ છે. આ હોટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી બનશે. રેલવે સ્ટેશનની નજીક હોવાથી રેલવે મુસાફરો માટે તે એક વિશેષ સુવિધા બની રહેશે.
એકતાનગરમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખતાં આધુનિક હોટેલ અને અન્ય આતિથ્ય સુવિધાઓનું વિસ્તરણ મહત્વપૂર્ણ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 3 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે.. નવી હોટેલથી માત્ર રહેવાની સુવિધામાં જ વધારો નહીં થાય, પરંતુ હોટેલ સંચાલન, હાઉસકીપિંગ, ખાણીપીણી તથા અન્ય સેવાઓમાં પ્રત્યક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે.
આધુનિક હોટેલ, રેસ્ટોરન્ટ અને કોન્ફરન્સ માટેની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ એક દિવસની મુલાકાતને બદલે એકતાનગરમાં વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. પ્રવાસીઓના વધુ રોકાણથી સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. ઉપરાંત હોટેલમાં કોન્ફરન્સ અને વિવિધ કાર્યક્રમો માટેની સુવિધાઓથી અહીં કોર્પોરેટ મીટિંગ, પરિષદો અને સામાજિક પ્રસંગોના આયોજનની નવી તકો ઊભી થશે. પરિણામે વ્યાવસાયિક અને વિવિધ પ્રસંગોના આયોજન માટે પણ એકતાનગર એક પસંદગીનું સ્થળ બનશે. એકતાનગરને આધુનિક અને સર્વાંગી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું એકતા નગર આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર આગવું સ્થાન ધરાવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરનાર એકતા નગરમાં પ્રવાસીઓ માટે સતત નવાં આકર્ષણો અને આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેમાં રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. એકતા નગર આવતા પ્રવાસીઓને પ્રકૃતિના સાનિધ્યમાં એક અનોખો અનુભવ મળે તે ઉદ્દેશથી વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે ‘રેઇન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
એકતા નગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરશે. આ સ્થળે ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓ જેવા પ્રદેશોની રેઇન ફોરેસ્ટની વિવિધ સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના માધ્યમથી પ્રવાસીઓને ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા, વન સંરક્ષણ તથા સ્થાનિક વનસ્પતિના મહત્ત્વ વિશે જાણવાની અને સમજવાની તક મળશે. આમ, પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસીઓ પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને તે દિશામાં આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ
રેઇન ફોરેસ્ટમાં પ્રકૃતિની સમીપ રહેવાની સાથે પ્રવાસીઓના મનોરંજન માટે અનેક આકર્ષણો વિકસાવવામાં આવ્યાં છે. આમાં આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ મુખ્ય આકર્ષણ બનશે. ગ્લાસ વૉક-વે પર ચાલતાં પ્રવાસીઓને રેઇન ફોરેસ્ટના પ્રાકૃતિક સૌંદર્યને એક અનોખા દૃષ્ટિકોણથી નિહાળવાનો અનુભવ મળશે. આ ઉપરાંત, 5થી 8 મીટરની ઊંચાઈ ધરાવતો ધોધ તથા સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો સ્થળની સુંદરતામાં વધારો કરશે. પ્રાકૃતિક પથ્થરોથી બનાવવામાં આવેલું 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે. નર્મદા પથ્થર અને ઈંટ-ચૂનાના વૉકિંગ ટ્રેલ્સ, વૃક્ષોની હારમાળા અને રેઇન ફોરેસ્ટના વિવિધ સ્તરોને દર્શાવતું થીમેટિક લેન્ડસ્કેપિંગ પ્રવાસીઓને એક અનોખો અનુભવ કરાવશે.
શિક્ષણ અને મનોરંજનનો સમન્વય
રેઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડશે. તો બાળકો માટેના પ્લે એરિયામાં રોક ક્લાઇમ્બિંગ વૉલ, વિવિધ ઊંચાઈની સ્લાઇડ્સ, સીડીથી જોડાયેલી ટ્રી બાલ્કનીઝ અને હીંચકાઓ જેવી સુવિધાઓ હશે.
એકતા નગર ખાતે નિર્મિત રેઇન ફોરેસ્ટથી થનારા લાભો
* એકતા નગરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
* ભારતના વિવિધ પ્રદેશોની સદાબહાર વનસ્પતિ અને સમૃદ્ધ જૈવવિવિધતાને એક જ સ્થળે નિહાળવાની તક મળશે.
* વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે પર્યાવરણ અને જૈવવિવિધતાને લગતું રિસર્ચ સ્થળ બનશે.
* જવાબદાર અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન મળશે તથા એકતાનગરની પ્રવાસન સ્થળ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે.