Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના વિસ્તૃત ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરશે. બનાસ ડેરીએ એપ્રિલ 2026માં ફ્રેન્ચ ફ્રાઇઝના ઉત્પાદન અને પેકિંગ લાઇનની ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરી હતી. ₹51.65 કરોડના રોકાણથી હવે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન થશે. આ વિસ્તરણથી બટાકાના પ્રોસેસિંગને વેગ મળવાની સાથે સ્થાનિક બટાકા ઉત્પાદકોને વધુ સારા ભાવ અને બજારની નવી તકો મળી શકશે.
બનાસકાંઠા બટાકાના ઉત્પાદનમાં અગ્રણી જિલ્લો છે. છેલ્લા 25 વર્ષમાં પ્રોસેસિંગ-ગ્રેડ બટાકાની ખેતી હેઠળનો વિસ્તાર આશરે 400 હેક્ટરથી વધીને 61,016 હેક્ટર થયો છે. વર્ષ 2024-25માં જિલ્લામાં આશરે 18.7 લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું હતું, જ્યારે પ્રતિ હેક્ટર ઉત્પાદકતા આશરે 30 ટન રહી હતી. ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આ ક્ષેત્ર આદર્શ ગણાય છે. આ ઉપરાંત, બટાકાના પ્રોસેસિંગ દરમિયાન નીકળતા જૈવિક કચરાનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદન માટે કરવામાં આવે છે, જ્યારે બાકી રહેતા અવશેષનો ખેતી માટે પુનઃઉપયોગ થાય છે.
બનાસ ડેરીએ વર્ષ 2019માં અમૂલ બ્રાન્ડ હેઠળ ફ્રેન્ચ ફ્રાઇઝ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી ડેરીએ ગુણવત્તાયુક્ત બિયારણ તૈયાર કરવા, બટાકાની ખેતી, ખરીદી અને પ્રોસેસિંગને એકબીજા સાથે જોડતી ‘સીડ-ટુ-ફ્રાય’ વ્યવસ્થા વિકસાવી છે. આ પ્રક્રિયા સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સંસ્થાઓ પાસેથી મેળવેલા રોગમુક્ત જર્મપ્લાઝમથી શરૂ થાય છે. તેને બનાસ ડેરીની ટિશ્યૂ કલ્ચર લેબોરેટરીમાં વિકસાવવામાં આવે છે અને ત્યારબાદ કાનપુર ખાતેની એરોપોનિક સુવિધામાં G0 મિનિટ્યુબર્સમાં વિકસાવવામાં આવે છે. ત્યારબાદ આ મિનિટ્યુબર્સને ખેતરમાં G3 સ્તર સુધી વિકસાવવામાં આવે છે, જેથી ખેડૂતોને પ્રમાણિત બિયારણ ઉપલબ્ધ થાય અને પ્રોસેસિંગ માટે યોગ્ય ગુણવત્તાના બટાકાનું ઉત્પાદન થઈ શકે.
ખેડૂતોને બિયારણ આપતી વખતે જ બટાકાની ખરીદીનો ભાવ અગાઉથી નક્કી કરવામાં આવે છે. વર્ષ 2023-24માં બનાસ ડેરીએ બટાકાના ખેડૂતોને ભાવના તફાવત પેટે આશરે ₹1.83 કરોડ ચૂકવ્યા હતા. વર્ષ 2024-25 માટે બાયબેક ભાવ પ્રતિ યુનિટ ₹13 અને વર્ષ 2025-26 માટે પ્રતિ યુનિટ ₹14 હતો.
બટાકાની વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા માટે બનાસ ડેરીએ વર્ષ 2024માં 10,000 ટનની કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી વિકસાવી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2025માં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) સાથે સમજૂતી કરાર (MoU) કરીને દેશભરના ખેડૂતો સુધી પ્રમાણિત બિયારણ પહોંચાડવાની દિશામાં પણ પહેલ કરી હતી.
વર્ષ 2025-26માં ભારતમાંથી આશરે 2.77 લાખ ટન મૂલ્યવર્ધિત બટાકા ઉત્પાદનોની નિકાસ થઈ હતી, જેનું મૂલ્ય આશરે ₹2,744.50 કરોડ હતું. સણાદર ખાતે ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણથી બટાકાના મૂલ્યવર્ધનને વેગ મળશે. ગુણવત્તાયુક્ત બિયારણ, ખેડૂતો પાસેથી સુવ્યવસ્થિત ખરીદી, સંગ્રહ સુવિધા અને વધેલી પ્રોસેસિંગ ક્ષમતાના સમન્વયથી બનાસકાંઠાના બટાકા ઉત્પાદકો માટે બજારની નવી તકો ઊભી થશે અને પ્રદેશમાં કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળશે.