રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની નરસિંહજીની પોળમાં આવેલ દલા પટેલની પોળમાં રહેતા સોની પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકોમાં 50 વર્ષીય માતા આરતીબેન સોની, મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી ઝલખ સોનીનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલાં પરિવારના મોભી ચેતન સોનીનું હૃદયરોગથી મૃત્યુ થયું હતું, જેના કારણે પુત્ર નીલકંઠ કેનેડાથી વડોદરા પરત ફર્યો હતો. જ્યારે પુત્રી ઓલ્ડ પાદરા રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતી હતી.
આ ભયાનક પગલું આર્થિક સંકળામણ અને ડિપ્રેશનના કારણે લેવાયું
ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ભયાનક પગલું આર્થિક સંકળામણ અને ડિપ્રેશનના કારણે લેવાયું છે. ઘરમાંથી તપાસ દરમિયાન ઘણા દસ્તાવેજો અને કાર લોનની નોટિસ પણ મળી આવી છે.
કોઈ મોટી આર્થિક મુશ્કેલી કે ઝઘડો ન હોવા છતાં આ પગલું કેમ ભર્યું?
બીજી બાજુ મૃતકોના પાડોશીઓ અને હોસ્પિટલના ભાગીદાર કેતન શાહએ કહ્યું કે પરિવાર ખૂબ જ સારો અને સાધન સંપન્ન હતો. ત્રણ દિવસ પહેલા જ હોસ્પિટલના વ્યાપ વધારવા અંગે વાત થઈ હતી. કોઈ મોટી આર્થિક મુશ્કેલી કે ઝઘડો ન હોવા છતાં આ પગલું કેમ ભર્યું તે અંગે સોની સમાજ પણ આઘાતમાં છે અને આ ઘટના ભારે ચિંતાનો વિષય બની છે.
પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત કેવી રીતે થયું તેનું ચોક્કસ કારણ સામે આવશે?
દિવાળીના તહેવાર પહેલા જ સોની પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે મોતને વ્હાલુ કરતા સમગ્ર ઘટનાએ સમગ્ર શહેરમાં હાહાકાર મચાવી દીધી છે, હાલમાં પોલીસે મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત કેવી રીતે થયું તેનું ચોક્કસ કારણ સામે આવશે, આ ઉપરાંત પોલીસે આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.