Gujarat Rain Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં થનાર ફેરફારને લઈને એક મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તેમજ દેશના અન્ય ભાગો પર જોવા મળશે, જેના કારણે કમોસમી વરસાદ અને ઠંડીની તહેવારની સિઝનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ઉભું થયેલું ખૂંખાર અર્નબ વાવાઝોડું ઓડિસ્સા અને આંધ્ર પ્રદેશના તટીય ભાગોમાં ટકરાયા બાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની અસર પૂર્વીય મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગો પર પણ વર્તાશે.
1/5
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ
આજથી જ ગુજરાતમાં પવનનું જોર વધવાની શક્યતા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 30 ઓક્ટોબરથી 03 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ કે છાંટા પડવાની સંભાવના છે. પંચમહાલ અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે વલસાડ, નવસારી અને સુરતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેવી રીતે અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદી માહોલ રહી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છના ભાગોમાં પણ સામાન્ય વરસાદ અથવા છાંટા પડી શકે છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
2/5
વધુ એક મજબૂત વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરાઈ
અંબાલાલ પટેલે ગુજરાતમાં થનાર ફેરફારો અંગે વાત કરતા જણાવ્યું હતું કે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વધુ એક શક્તિશાળી ચક્રવાત અથવા લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં અને વિશેષ કરીને 12 થી 14 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક મજબૂત વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
3/5
દિવાળી અને નવા વર્ષ પર કેવું રહેશે ગુજરાતનું હવામાન?
તહેવારોના દિવસોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. દિવાળી પર આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે, જો કે આ દરમિયાન વરસાદ પડવાની શક્યતા ઓછી છે. નવા વર્ષના પ્રારંભે પણ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવારણ જોવા મળી શકે છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે, જેની અસરથી ગુજરાતમાં પણ ગુલાબી ઠંડીનો અનુભવ શરૂ થશે.
4/5
ખેતી અને રવિ પાક પર શું પડશે અસર?
નવેમ્બર મહિનામાં હવામાનમાં આવતો આ પલટો ખેડૂતોની ચિંતા વધારી શકે છે. ઉત્તર ગુજરાતમાં ઘઉં અને રવિ પાકના વાવેતરની સિઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે હવામાનના આ ઉતાર-ચઢાવની વ્યાપક અસરો જોવા મળશે. હવામાનના ફેરફારથી ઘઉંના પાક પર મધ્યમ અસર થઈ શકે છે. ડિસેમ્બરના અંતમાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રવિ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ ફેબ્રુઆરીમાં તાપમાન અને ઠંડીની સ્થિતિ ઘઉંના દાણાની ગુણવત્તાને પ્રભાવિત કરી શકે છે.
5/5
હવામાન નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સલાહ
હવામાન નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સલાહ કરવામાં આવી છે કે તેઓ સતત બદલાતા હવામાન પર નજર રાખે અને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે યોગ્ય આગોતરા પગલાં ભરે. જીરું અને કઠોળના પાકો માટે આગામી સમયની હવામાન સ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે. જ્યારે માર્ચ-એપ્રિલ દરમિયાન પણ કમોસમી વરસાદની શક્યતા નકારી શકાતી નથી. ઉનાળુ પાકનું વાવેતર ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં શરૂ થવાનો અંદાજ છે.