Sabhai Gadhvi Inspiring Journey : અડગ મનોબળ, મહેનત અને સમર્પણથી શક્યતાઓની વ્યાખ્યા બદલાઇ જાય છે. કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઇ ગઢવીએ પોતાની અડગ મહેનત અને સમર્પણથી ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત વૈશ્વિક કક્ષાની કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર સભાઇ ગઢવી ગુજરાતના પ્રથમ મહિલા કબડ્ડી ખેલાડી બન્યા છે. જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
કચ્છના સભાઇ ગઢવીની કબડ્ડીની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં-2ના મેદાનથી શરૂ થઈ હતી. તેમની પ્રતિભાને પારખીને શાળાના આચાર્ય મયુર જોશી અને શિક્ષક હરેશ પંડ્યાએ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કર્યા. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે મોરબી ખાતે નવજીવન વિદ્યાલયમાં પ્રવેશ મેળવી કોચ તરીકે વિજય ચૌધરી અને નરસિંહ રબારી પાસેથી કબડ્ડીનું માર્ગદર્શન મેળવ્યું હતું.
જ્યારે વર્ષ 2016માં વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોટા ભાડિયા પ્રા. શાળા નં. 2ની ટીમ ચોથા સ્થાને વિજેતા બની હતી, જેમાં સભાઇ ગઢવી સામેલ હતી. આ ઉપરાંત વર્ષ 2017માં ભાવનગર ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરીને તેમની શાળાની ટીમ બીજા સ્થાને એટલે કે રનર્સ-અપ રહી હતી.
વધુમાં વર્ષ 2018માં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કુલ (DLSS)ની પરીક્ષા આપી હતી જેમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યા હતા. તેમણે વર્ષ 2018થી 2022 દરમિયાન રમતગમત સત્તામંડળ ગુજરાત (SAG)ની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના હેઠળ PT ખેલાડી તરીકે તાલીમ મેળવી હતી. રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મેડલ જીતવાના આધારે વર્ષ 2022માં તેમની COE યોજના હેઠળ પસંદગી થઈ હતી. સતત સારા પ્રદર્શનના આધારે વર્ષ 2024માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના NCOE, ગાંધીનગર ખાતે તેમની પસંદગી થઈ, જ્યાં તેઓ હાલ તાલીમ લઈ રહ્યા છે.
તેમણે ખેલ મહાકુંભમાં અંડર-14 કક્ષાએ બ્રોન્ઝ અને અંડર-17 કક્ષાએ ગોલ્ડ મેડલ, SGFI અંડર-19માં ગોલ્ડ મેડલ તેમજ રાજ્ય કક્ષાની સબ-જુનિયર અને સિનિયર સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ સહિત અનેક સિદ્ધિઓ મેળવી છે. તેમણે વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે તથા 20મી એશિયન ગેમ્સ માટેના ભારતીય કેમ્પમાં ભાગ લીધો છે.
મોટા ભાડિયાના મેદાનથી લઈને કોમનવેલ્થ કબડ્ડીના વૈશ્વિક મંચ સુધીની સભાઇગઢવીની સફર DLSS જેવી પાયાની રમતગમત વિકાસ યોજનાઓની સફળતા દર્શાવે છે. જો યોગ્ય માર્ગદર્શન અને અતૂટ પરિશ્રમ મળે, તો ગુજરાતની દીકરીઓ પણ આકાશને આંબી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કબડ્ડીની રમતમાં એક દસકાની તપસ્યા અને પરિશ્રમ થકી સભાઈ ગઢવીકોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે એક મેચ દરમિયાન તેમને બેસ્ટ ડિફેન્ડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમ સેમીફાઈનલ રાઉન્ડમાં પહોંચી છે.