Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓ અને પેન્શનર્સના નાણાકીય લાભોમાં વધારો થશે. તહેવારની સીઝનમાં મળેલી આ ભેટને કારણે કર્મચારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી શક્યતા છે.
બીજી તરફ, રાજ્યના 4 લાખથી વધુ સક્રિય કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરો માટે પણ મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની આશા છે. બેઠક બાદ આ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે આ નવા વધારાનો લાભ કઈ તારીખથી અમલી બનશે અને કયા શ્રેણીના કર્મચારીઓને આવરી લેવામાં આવશે. પંચાયત સેવા તેમજ રાજ્ય સરકારના વિશાળ કર્મચારી વર્ગને આ નિર્ણયથી સીધો આર્થિક ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે.
આજે સવારે મળેલી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નો ઉપરાંત રાજ્યના ખેડૂતો અને સિંચાઈના પાણી અંગે પણ અગત્યના મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું. બેઠકમાં આગામી સમયના શિયાળુ પાક અને પાણીની ઉપલબ્ધતા વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
સૌપ્રથમ પીવાના પાણીનો જથ્થો સુરક્ષિત રીતે આરક્ષિત કરવામાં આવશે અને ત્યારબાદ જ વધારાનું પાણી શિયાળુ પાક માટે ફાળવવાની વિચારણા કરવામાં આવી રહી છે. પાકના વાવેતર અને સિંચાઈની આવશ્યકતા અંગે મુખ્યમંત્રી આગામી સમયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી શકે છે.
આ સિવાય બેઠકમાં સૌરાષ્ટ્રમાં 'સૌની યોજના' અને ઉત્તર ગુજરાતમાં 'સુજલામ સુફલામ યોજના' હેઠળ સિંચાઈ માટે કેટલું પાણી આપી શકાશે, તેની સઘન સમીક્ષા કરવામાં આવશે અને તે બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં પાણીની ઉપલબ્ધતા અને યોગ્ય વ્યવસ્થાપન જળવાઈ રહે તે માટે ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવા માટે કહેવામાં આવશે.
સરકારી કર્મચારીઓ આગામી 9 નવેમ્બર, સોમવારના રોજ 'પડતર દિવસ' નિમિત્તે જાહેર રજાનો આનંદ માણી શકશે. જોકે, આ રજાના બદલામાં કર્મચારીઓએ 12 ડિસેમ્બરના બીજા શનિવારે કચેરીઓમાં હાજર રહીને કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આજની કેબિનેટ બેઠકમાં આ અંગે સૈદ્ધાંતિક સંમતિ સાધવામાં આવી હોવાની માહિતી મળી છે અને ટૂંક સમયમાં જ તેનો સત્તાવાર પરિપત્ર જાહેર થશે.
સરકારી કર્મચારીઓ માટે મોંઘવારીના આંકડા માત્ર ટકાવારી નથી, પણ માસિક પગારમાં કેટલો વધારો આવશે તેની ગણતરી થાય છે. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળ DAમાં 2%નો ઉમેરો કર્યો હતો અને કર્મચારીઓને 58%થી 60% સુધીનો લાભ પહોંચાડ્યો હતો. હવે જો સૂચિત 3%નો વધુ એક વધારો મંજૂર થાય, તો મોંઘવારી ભથ્થું સીધું વધીને 63%ની આસપાસ પહોંચી જશે.
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું ગણતરી કરીએ તો જે કર્મચારીનો બેઝિક પગાર 30,000 રૂપિયા છે, તેમને અત્યાર સુધી 60% લેખે 18,000 હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું, જે નવા દર મુજબ વધીને 18,900 રૂપિયા થઈ જશે. આમ, મોંઘવારી વચ્ચે પણ દર મહિને ઘરના ખર્ચમાં સીધો 900 રૂપિયાનો વધારાનો ટેકો મળશે.