Gandhinagar News: દિવાળીને લઈને ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડીને દિવાળીના તહેવાર પર કર્મચારીઓને સળંગ 4 દિવસની રજા (મિનિ વેકેશન)નો લાભ મળે તેવી જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગના કેલેન્ડર વર્ષ 2026ના જાહેરનામા મુજબ તારીખ 08/11/2026 રવિવારના રોજ દિવાળીનો તહેવાર હોવાથી જાહેર રજા આપવામાં આવી છે. જ્યારે તારીખ 10/11/2026 મંગળવારના રોજ નૂતન વર્ષ દિનની જાહેર રજા અપાઈ છે. જ્યારે તારીખ 11/11/2026 બુધવારના રોજ ભાઈબીજની જાહેર રજા આપવામાં આવી છે. આ રજાઓની વચ્ચે આવતી તારીખ 06/11/2026 સોમવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારે તેમાં મોટો ફેરફાર કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, તારીખ 09 મી નવેમ્બરને સોમવારે 'પડતર દિવસ' તરીકે રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં જઈને પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ હુકમો ગુજરાત સરકારની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયત કચેરીઓને પણ સમાન રીતે લાગુ પડશે. જો કે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રજા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જાહેર કરવામાં આવી નથી.
કર્મચારીઓને સળંગ 4 દિવસ રજાનો લાભ મળતો હોવાથી તારીખ 9 નવેમ્બરના 'પડતર દિવસ'ની રજાના બદલામાં આગામી તારીખ 28 નવેમ્બર, 2026 (ચોથા શનિવાર)ના રોજ તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે અને નિયમિત કામકાજ હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓમાં દિવાળીના પર્વ પહેલાં ખુશીના સમાચાર મળી રહ્યા છે.