Ankleshwar murder case : ભરૂચના અંકલેશ્વરમાં ખેલાયો ખૂની ખેલ! એક એવી ઘટના જેને સાંભળીને જ રૂંવાડા ઉભા થઈ જાય.સન્નાટો ચીરીને ગુંજી ઉઠેલી એ ચીચીયારી પાછળ છૂપાયેલું હતું એક એવું રહસ્ય જેણે આખા પંથકને હચમચાવી દીધું. ભરૂચના અંકલેશ્વર GIDCમાં આવેલી કાન્હા રેસિડેન્સી. ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીકની આ એ જ જગ્યા છે, જ્યાં વહેલી પરોઢે સંબંધોનું ખૂન થયું.
સિક્યુરિટી રૂમમાં રહેતા નેપાળી દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો. પતિ ટેકબહાદુર ચંદને તેની પત્ની લક્ષ્મી ચંદ પર આડા સંબંધ હોવાની શંકા હતી. આ જ શંકાની આગે વહેલી પરોઢે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.
ચીચીયારીઓ અને લોહીના ખાબોચિયા વચ્ચે સિક્યુરિટી રૂમમાં ખેલાયેલા આ ખૂની ખેલથી આખી સોસાયટી ધ્રુજી ઉઠી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા.
પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ટેકનિકલ સોર્સિસની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી પતિ ટેકબહાદુર ભીમબહાદુર ચંદની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોપીને ઘટના સ્થળે લાવી આખા ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું. હાલ તો અંકલેશ્વર પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
વહેમની કોઈ દવા નથી, અને આ જ વહેમે વધુ એક હસતા-ખેલતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. કાયદાના સકંજામાંથી બચવા માટે હત્યારા પતિએ ભાગવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ અંકલેશ્વર પોલીસે તેની તમામ ચાલ નિષ્ફળ બનાવી દીધી. હવે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યો છે અને કાયદો તેને તેના આ ઘાતકી પાપની આકરી સજા અપાવશે તે નક્કી છે.