રાજકોટમાં ગોંડલ હાઈવે પર આવેલા કલ્પવનમાં રહેતા રમેશ ચાવડા (40) અને તેમના પત્ની ભારતી ચાવડાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મોત વ્હાલું કર્યું. અત્યંત ચોંકાવનારી આ ઘટનામાં 8 લાખ રૂપિયાની ચૂકવણી સામે દંપત્તિએ 21 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરોની ભૂખ ઓછી થઈ નહતી. જેને પગલે દંપત્તિએ અટીકાફાટક પાસે લસણના કારખાનામાં ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો.
પ્રાથમિક માહિતી મુજબ રમેશ ચાવડાએ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આઘાતજનક વાત એ છે કે દંપત્તિએ 8 લાખ રૂપિયા ચૂકવવાના હતા તેની સામે 21 લાખ ચૂકવ્યા હોવાનો આરોપ છે. છતાં વ્યાજખોરો સતત ધમકી આપતા હતા. આ અંગે મૃતકના ભાઈએ સમગ્ર માહિતી પણ આપી. તેમના જણાવ્યાં મુજબ વ્યાજખોરો 195 ટકા વ્યાજ લેતા હતા. આઠ લાખ રૂપિયા મોરબીના વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધા હતા. મૃતકના કાકાના દીકરાએ આ અંગે કહ્યું કે મારી સાથે ગઈ કાલે જ વાત થઈ હતી. હાલ તો પરિવારમાં શોકનો માહોલ છે.
મૃતકના પિતરાઈ ભાઈએ કહ્યું કે 3 મહિનાથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરો ધીમે ધીમે વ્યાજનો દર વધારતા ગયા. એટલું બધુ પ્રેશર આપ્યું કે કાલે તેણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. તેમનો એવો પણ દાવો છે કે છેલ્લા એક સપ્તાહથી રોજ 42000 રૂપિયા ચૂકવતા હત જે 8 લાખનું વ્યાજ હતું. તેમણે કહ્યું કે તેમના લસણના કારખાનામાં જઈને તેમણે આપઘાત કરી લીધો. મૃતકના ભાઈએ અપીલ કરી છે કે વ્યાજખોરોને પૂરેપૂરી સજા થવી જોઈએ. વ્યાજખોરો વિશે વાત કરતા તેમણે કહ્યું કે એક મોરબીનો છે અને એક રાજકોટનો છે. લસણના ધંધા માટે પૈસા વ્યાજે લીધા હતા.
અત્રે નોંધનીય છે કે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે જીવ ગુમાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તાજેતરમાં જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને 31 વર્ષીય રોનિશ જૈન નામના યુવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના પરિવારે આઘાતમાં સરી પડીને વ્યાજખોરો સામે વહેલી તકે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ પણ કરી હતી.