Tiger Shroff firing : 18 ઓક્ટોબરની એ સાંજ. મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફ ફૂટબોલ રમીને બહાર નીકળ્યા, ત્યારે તેમની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલામાં ટાઈગર અને તેમનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયા. શરૂઆતમાં આ માત્ર એક સામાન્ય હુમલો લાગતો હતો, પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે આ કેસના તાર જોડવાનું શરૂ કર્યું, ત્યારે ખાખીના પણ હોશ ઊડી ગયા!.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે 20 સપ્ટેમ્બરે હરિયાણાથી મુંબઈ આવેલા શૂટરોનું અસલી નિશાન આમિર ખાન હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈશારે મુંબઈ પહોંચેલા શૂટરોનું મુખ્ય ટાર્ગેટ હતા સુપરસ્ટાર આમિર ખાન! પરંતુ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે આમિર ખાન સુધી પહોંચવું અશક્ય હતું.
આખરે ટાઈગર શ્રોફ લોરેન્સ ગેંગના નિશાને કેમ આવ્યા? પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,લોરેન્સ ગેંગે જુલાઈ મહિનામાં સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો ક્લિપ દ્વારા આમિર ખાનને ધમકી આપી હતી. જેમાં આમિર અને ગૌરી સ્પ્રેટના લગ્નને સનાતન ધર્મ વિરુદ્ધ ગણાવીને ટૂંક સમયમાં પાઠ ભણાવવાની વાત કહેવામાં આવી હતી.
20 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચેલા શૂટરોએ બાંદ્રા સ્થિત આમિર ખાનના ઘરની આસપાસ ત્રણ વાર રેકી પણ કરી હતી. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થા અને આમિર ખાન મોટાભાગે ફિલ્મોના શૂટિંગના કારણે બહાર રહેતા હતા અથવા ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળતા નહોતા, જેથી ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં હુમલાખોરોને આમિર પર હુમલો કરવો શક્ય ન લાગ્યો.
જ્યારે આમિર ખાન પર હુમલો કરવો શક્ય ન બન્યો, ત્યારે શૂટરોએ અંધેરીમાં ટાઈગર શ્રોફ પર નજર રાખવાનું શરૂ કર્યું. તપાસમાં સામે આવ્યું છે કે શૂટરોએ અભિનેતાઓનાં ઘરોનું ઠેકાણું જાણવા માટે ત્રણ હજાર રૂપિયામાં એક કૅબ ભાડે લીધી હતી અને અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા સેલિબ્રિટીઓનાં ઘરોની આસપાસ ઓટોરિક્ષા દ્વારા ચક્કર લગાવ્યાં હતાં. રેકી દરમિયાન શૂટરોએ જોયું કે બાંદ્રામાં આમિર ખાન અને ટાઈગર શ્રોફના ઘર એકબીજાથી થોડાક જ કિલોમીટરના અંતરે છે અને ટાઈગર શ્રોફ ઘણી વાર ભારે સુરક્ષા વિના બહાર નીકળે છે અને રવિવારે જુહુ પાર્કમાં ફૂટબોલ રમવા પહોંચે છે. બસ, આ જ કારણસર સરળતાથી મળી શકતા હોવાથી શૂટરોએ આમિર ખાનની યોજના પડતી મૂકીને ટાઇગર શ્રોફને સરળ નિશાન તરીકે ટાર્ગેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો!.
હાલ તો મુંબઈ પોલીસે કાર્યવાહી કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી અત્યાર સુધીમાં 10 શંકાસ્પદોની અટકાયત કરી લીધી છે પરંતુ આ કેસે સાબિત કરી દીધું છે કે લોરેન્સ ગેંગનું નેટવર્ક મુંબઈની ગલીઓમાં ઓટોરિક્ષા ચાલકો સુધી ફેલાયેલું છે. ભલે આમિર ખાન તેમની કિસ્મત અને સુરક્ષાના કારણે બચી ગયા, પણ સવાલ એ છે કે લોરેન્સ ગેંગની આ હિટલિસ્ટમાં હજુ બોલિવૂડના કેટલા મોટા નામો છૂપાયેલા છે?.
તો ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ પાછળનું આ હતું એ ખૌફનાક સત્ય. વહેમ અને લવ જેહાદના નામે લોરેન્સ ગેંગે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને મારવાનો પૂરો પ્લાન ઘડી કાઢ્યો હતો. જોકે, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાંથી શૂટરોના નેટવર્કને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડના સિતારાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને આગામી દિવસોમાં મુંબઈ પોલીસ કેવા કડક પગલાં ભરે છે.