ઉમેશ પટેલ, વલસાડ: જૂનો પ્રેમ, તૂટેલો સંબંધ અને મનમાં એવી અદાવત કે પૂર્વ પ્રેમિકાના પતિ પર જ કુહાડીથી હુમલો કર્યો. આ કહાની વલસાડના છરવાડા ગામની છે. વલસાડના છરવાડામાં એક મહિલા સાથેના જૂના પ્રેમસંબંધની અદાવતમાં તેના પતિ પર જીવલેણ હુમલો કરવાના આરોપમાં ડુંગરી પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પણ આખરે પ્રેમની આ કહાનીમાં એવું શું બન્યું કે મામલો સીધો કુહાડીના હુમલા સુધી પહોંચી ગયો? તેના વિશે આ લેખમાં જાણીશું.
આરોપી રાજેશની ધરપકડ તો થઈ ગઈ, પરંતુ આ કેસની કહાની શરૂ થાય છે એક જૂના પ્રેમસંબંધથી. ધરમપુર તાલુકાના રાનપાડા ગામની એક મહિલા પોતાના પતિ સાથે મજૂરીકામ માટે છરવાડા આવતી હતી. આ દરમિયાન છરવાડાના દંતરાય ફળિયામાં રહેતા રાજેશ હાવા પટેલ સાથે મહિલાને પ્રેમસંબંધ બંધાયો હતો.
બંને પરણીત હતાં. જોકે, પરિવારજનોને આ સંબંધની જાણ થતાં વિવાદ થયો અને આખરે બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો. સંબંધનો અંત આવ્યો, પરંતુ આક્ષેપ મુજબ, રાજેશના મનમાંથી જૂનો સંબંધ ગયો નહીં. લગભગ એક વર્ષ સુધી બંને વચ્ચે કોઈ સંબંધ રહ્યો નહોતો. ત્યારબાદ ફરી મુલાકાત થઈ, પરંતુ વાત ફરી સંબંધ બંધાવા સુધી પહોંચી નહીં.
આરોપ છે કે રાજેશે મહિલાને ધમકી આપી હતી કે, 'તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં', મહિલાના પતિને પણ રસ્તામાં આંતરીને ધમકી આપી હોવાનો આક્ષેપ છે. અને પછી આ ધમકી બાદ જે ઘટના બની, તેણે આખા ગામમાં ચકચાર મચાવી દીધી.
રાત્રિના સમયે રાજેશ મહિલાના ઘરે પહોંચ્યો અને તેના પતિ પર કુહાડી વડે માથા, હાથ અને ગરદનના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા. મહિલાની બૂમાબૂમ થતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઘાયલ પતિને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રેમસંબંધની અદાવતમાં આ હુમલો થયો હોવાની આશંકા છે. જોકે, હુમલા પાછળના તમામ સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હુમલાની જાણ થતાં જ ડુંગરી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી રાજેશ હાવા પટેલને ઝડપી પાડ્યો. જે મામલો એક ખાનગી સંબંધથી શરૂ થયો હતો, તે હવે ગંભીર હુમલાના ગુનાની તપાસ સુધી પહોંચી ગયો છે. હાલ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. હુમલા પાછળનાં કારણો અને ઘટનાની અન્ય કડીઓ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.