અશોક બારોટ, જૂનાગઢ: જૂનાગઢના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બહારના જિલ્લામાંથી જૂનાગઢમાં અભ્યાસ કરવા આવેલી યુવતીનો સોશિયલ મીડિયા મારફતે આરોપી સાથે સંપર્ક થયો હતો. આરોપીએ પોતાનું નામ અને ઓળખ છુપાવી, પોતે અવિવાહિત હોવાનું તેમજ ગાડી લે-વેચનો ધંધો કરતો હોવાનું કહી યુવતીને લગ્નની લાલચ આપી હતી.
આરોપીએ યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ મારફતે સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ યુવતીના મોબાઈલ ફોન અને વોટ્સએપ હેક કરી તેને ડરાવી-ધમકાવી બ્લેકમેઇલ કરવામાં આવી હોવાના આક્ષેપ છે. યુવતીને બ્લેકમેઇલ કરી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે.
દરમિયાન યુવતીને શારીરિક તકલીફ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેની જાણ બહાર ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ સમગ્ર મામલે યુવતીને આરોપીની હકીકતની જાણ થઈ ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. યુવતીએ આરોપીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી તપાસ કરતા આરોપી પરિણિત હોવાનું સામે આવ્યું તેમજ તેનું સાચું નામ ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ કાદર સુમરા હોવાનું જાણવા મળ્યું.
આરોપી ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ કાદર સુમરા મૂળ ચિત્રાવડ, તાલાલાનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી ઉપરાંત બે મદદગારોની પણ ધરપકડ કરી છે. જેમાં જૂનાગઢનો શોએબ અને તાલાલાનો અસ્પાક હોવાનું સામે આવ્યું છે.
ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની આગળની તપાસ SOG PSIને સોંપવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓએ યુવતી સાથે કેવી રીતે સંપર્ક કર્યો, મોબાઈલ અને વોટ્સએપ હેકિંગ કેવી રીતે કરવામાં આવ્યું, દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ ગર્ભપાતના સમગ્ર મામલે કાયદેસરની તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવી યુવતીને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપવાના અને ત્યારબાદ બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરવાના આક્ષેપોએ સમગ્ર મામલાને ગંભીર બનાવી દીધો છે.