Tiger Shroff Firing Case : બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસની તપાસમાં સુરતમાંથી મહત્વપૂર્ણ કડી મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી બે ગેરકાયદેસર હથિયાર અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યાં હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ હથિયારો સુરતના રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળા પાસે છુપાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મુંબઈમાં ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કેબ ભાડે કરીને સુરત પહોંચ્યા હતા. સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર કેબે છોડ્યા બાદ તેમનો ઇરાદો દિલ્હી તરફ જતી બસ પકડવાનો હતો. જોકે, સમયસર બસ ન મળતાં તેઓ અટવાયા હતા. આ દરમિયાન પોતાની પાસે રહેલા હથિયારોનો નિકાલ કરવા માટે તેઓએ ઓટોરિક્ષા કરી હતી અને બસ સ્ટોપ નજીક હથિયારો છુપાવી દીધા હતા.
હથિયારો સંતાડ્યા બાદ આરોપીઓ તાત્કાલિક સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં સુરતનો ઉપયોગ હથિયારો છુપાવવા માટે કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
બીજી તરફ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના રેહાનને સાથે રાખીને 23 ઓક્ટોબરે સુરતમાં ગુપ્ત દરોડો પાડ્યો હતો. આરોપીએ બતાવેલી જગ્યાએથી પોલીસે બે હથિયાર અને 10 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ ગઈ હતી.
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં આવીને ગુપ્ત કાર્યવાહી હાથ ધરી, હથિયારો જપ્ત કર્યાં અને પરત પણ ફરી ગઈ, પરંતુ સ્થાનિક સુરત પોલીસને આ ઓપરેશનની જાણ થઈ હતી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.
જપ્ત કરાયેલાં હથિયારો અને કારતૂસને ફોરેન્સિક તથા બેલિસ્ટિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ફાયરિંગના સ્થળેથી મળી આવેલા ખાલી કારતૂસના ખોખાં અને સુરતમાંથી જપ્ત કરાયેલા હથિયારો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં, તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, હથિયારોની હેરાફેરી અને સપ્લાય નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસના તાર સુરત સુધી પહોંચતાં ભારે ચર્ચા જાગી છે. હવે ફોરેન્સિક તપાસ અને પોલીસની આગળની તપાસમાં હથિયારોના સ્ત્રોત, આરોપીઓની હિલચાલ તથા આ સમગ્ર નેટવર્ક અંગે કઈ નવી વિગતો સામે આવે છે તેના પર સૌની નજર છે.