ભરત રાજપૂત, વાવ-થરાદ: કોઈ પણ વ્યક્તિ માટે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી છતાં પણ આજના જમાનામાં પ્રેમના દુશ્મનો તેનો વિરોધ જરૂર કરે છે. આવા જ એક પ્રેમના દુશ્મને હત્યાને અંજામ આપ્યો છે. આ ઘટના વાવ-થરાદ જિલ્લામાં બની છે, જ્યાં પ્રેમ પ્રકરણની અદાવતમાં 18 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ તો કરાયો, પરંતુ કાયદાના રક્ષકોએ આખરે સમગ્ર મામલા પરથી પડદો ઉઠાવ્યો અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા.
વાવ પોલીસે ઝડપેલા બંને લબરમુંછીયાએ એક એવા અપરાધને અંજામ આપ્યો છે. જે કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે. આ બંનેના નામ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર છે. આ બંને એ જ પ્રેમના દુશ્મનો છે જેણે અશોક નામના પ્રેમીની હત્યા કરી નાખી. પકડાયેલા બંને આરોપી આચરેલા ગુના અંગે વાત કરીએ તો...
ગત 21મી ઓક્ટોબરે સાંજે અશોકને મહેશ અને કિરણે બોલાવ્યો હતો. દારૂ પીવાના બહાને ત્રણેય ભેગા થયા હતા અને દારૂમાં નશાની ગોળી ભેળવીને અશોકને પીવડાવી હતી, ત્યારબાદ નશાની હાલતમાં અશોકને ખેતર પાસે લવાયો અને ગળે ટૂંપો આપીને અશોકની બંનેએ હત્યા કરી. ત્યારબાદ અશોકની લાશને તેના જ શર્ટ વડે લટકાવી દીધી.
જે બાદ બંને આરોપી ફરાર થઈ ગયા. બીજી તરફ અશોક ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી. જેમાં લટકતી હાલતમાં અશોક મળી આવતા તેને સરકારી હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં તબીબે અશોકને મૃત જાહેર કર્યો. જે મામલે મૃતકના ભાઈ મુકેશે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આરંભી હતી.
ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ સ્થળની મુલાકાત કરી. બીજી તરફ હ્યુમન સોર્સની મદદના આધારે સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો અને ગણતરીના સમયમાં જ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોરને દબોચી લેવાયા. જેમની કડક પૂછપરછ કરતા બંને આરોપી ભાંગી પડ્યા અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી.
પોલીસે હત્યાના કારણ અંગે પૂછતા સામે આવ્યું છે કે મૃતક અશોક અને મહેશ ઠાકોરની બહેનને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેનું મનદુ:ખ રાખીને મહેશે કિરણ સાથે મળીને અશોકનું ઢીમ ઢાળી દીધું. હત્યાના ઈરાદે જ મહેશ અને કિરણે અશોકને દારૂમાં નશાની ગોળીઓ પણ આપી હતી. જે બાદ નશાની હાલતમાં સરી પડેલા અશોકને છેક મૃત્યુ શય્યા સુધી પહોંચાડી દીધો. ત્યારે આ કેસમાં હાલ તો બંને આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.