અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલ 2026માં થઈ અને પરિણામ પણ ફટાફટ આવી ગયા. જેને લગભગ 6 મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવી તે અંગે મૂંજારો જોવા મળી રહ્યો છે. આંતરિક ખેંચતાણ હવે ખુલીને સપાટી પર જોવા મળી રહી છે. કોંગ્રેસ માટે સારામાં સારું પરિણામ કહીએ તો અમદાવાદ મનપામાં જોવા મળ્યું. જ્યાં કુલ 192 બેઠકોમાંથી કોંગ્રેસે 32 બેઠકો જીતી. પરિણામો આવ્યાને આટ આટલો સમય વિત્યો છતાં કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શર્કી નથી.
જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આંતરિક ખેંચતાણમાં વિપક્ષના નેતાનું પદ અટવાઈ રહ્યું છે. એવી ચર્ચાઓ ચાલે છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય શૈલેષ પરમાર વચ્ચે સીધી ખેંચતાણ ચાલી રહી છે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોર્પોરેટર નીરવ બક્ષી કે બાપુનગરના કોર્પોરેટર જયમન શર્માને વિપક્ષના નેતા તરીકે ઈચ્છે છે. એટલું જ નહીં આ નીરવ બક્ષી માટે તો ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ લોબિંગ કરતા હોવાનું કહેવાય છે. તેમના કહેવા મુજબ હવે વિપક્ષના નેતાનું પદ ફરીથી લઘુમતીને ફાળે જાય તે યોગ્ય નથી.
અમિત ચાવડા નીરવ બક્ષીને વિપક્ષના નેતા બનાવવાના પક્ષમાં જોવા મળી રહ્યા હોવાની ચર્ચા છે જ્યારે શૈલેષ પરમાર શહેઝાદખાન પઠાણને ફરીથી નેતા પદ અપાવવા મેદાને છે. ખાડિયાનો ઇતિહાસ જોઈએ તો પહેલીવાર એવું બન્યું કે કોંગ્રેસ જીતી અને તે જોતાં આ વિસ્તારના યુવા કોર્પોરેટરને વિપક્ષની કમાન સોંપાય તે તો નક્કી છે. આ અગાઉ 20 જેટલા કોર્પોરેટરોએ શહેર પ્રમુખ સોનલ પટેલની બેઠકનો બહિષ્કાર કરીને આ અંગે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો અને શહેઝાદખાન પઠાણને જ ફરીથી વિપક્ષના નેતા બનાવવા માટે લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે કાઉન્સિલરોની સેન્સ પણ લીધી હતી અને 17 જેટલા કોર્પોરેટરોએ અંતિમ નિર્ણય પ્રદેશ પ્રમુખ પર છોડ્યો હતો. હવે આ મામલાને શાંત પાડવા માટે કોંગ્રેસ હાઈકમાને રાજસ્થાનના સાંસદ કુલદીપ ઈન્દોરાને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી દીધી છે. અત્રે જણાવવાનું કે દિવાળી પહેલા અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાનું નામ જાહેર થવાનું હતું પરંતુ હજું સુધી થઈ શક્યું નથી.
ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓ સહિતની કુલ 17 મહાનગરપાલિકાઓની વાત કરીએ તો માંડ માંડ વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળતું જોવા મળી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે આમ છતાં આંતરિક જૂથવાદ અને ખેંચતાણને પગલે એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે વિપક્ષના નેતા કોને બનાવવા એ જ યક્ષ પ્રશ્ન પાર્ટી માટે બનતો હોય છે. અમદાવાદની જેમ આણંદ મહાનગરપાલિકામાં પણ સ્થિતિ એવી છે કે પૂરતાં આંકડા હોવા છતાં વિપક્ષના નેતાનું પદ ફાળવવામાં આવ્યું નથી.

| અમદાવાદ મનપા | કુલ સીટો 192 જ્યારે ભાજપને 160 અને કોંગ્રેસને 32 સીટ, વિપક્ષના નેતાની નિમણૂંક બાકી |
| સુરત મનપા | કુલ 120 સીટ, જેમાં 115 ભાજપને અને આપને 4 તથા 1 કોંગ્રેસને, વિપક્ષના નેતા નથી, પદ ખાલી |
| વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન | કુલ 76 સીટ ભાજપને 69 અને કોંગ્રેસને 6 તથા અન્યને ફાળે 1 સીટ, વિપક્ષના નેતા નથી, પદ ખાલી |
| રાજકોટ મનપા | કુલ સીટ 72, ભાજપને 65 સીટ જ્યારે કોંગ્રેસને 7 સીટ, વિપક્ષના નેતા દિપ્તીબેન સોલંકી (કોંગ્રેસ) |
| ભાવનગર મનપા | કુલ સીટ 52, ભાજપને 44, કોંગ્રેસને 8, વિપક્ષના નેતા કોંગ્રેસના ભરતભાઈ બુધેલીયા ( 5 મહિના બાદ બન્યા) |
| જામનગર મનપા | કુલ સીટ 64 સીટ જ્યારે ભાજપને 60, કોંગ્રેસને 2 અને અધર્સને 2 સીટ, વિપક્ષના કોઈ નેતા નથી, પદ ખાલી |
| આણંદ મનપા | કુલ સીટ 52, ભાજપને 43, કોંગ્રેસને 8 અને 1 અધર્સને, કોઈ વિપક્ષના નેતા નથી, પદ ખાલી |
| ગાંધીધામ મનપા | કુલ સીટ 52, ભાજપને 41 સીટ, કોંગ્રેસને 11, વિપક્ષના નેતા ભરત ગુપ્તા |
| મહેસાણા મનપા | કુલ સીટ 52, ભાજપને 47 અને કોંગ્રેસને 5, વિપક્ષના નેતા અમિત પટેલ કોંગ્રેસ |
| મોરબી મનપા | કુલ સીટ 52, ભાજપને 52 સીટ , વિપક્ષના નેતા નથી, પદ ખાલી |
| નડિયાદ મનપા | કુલ સીટ 52, ભાજપને 51 અને કોંગ્રેસને 1 સીટ કોંગ્રેસના એકમાત્ર નેતા જીત્યા હતા એટલે તેઓ જ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. |
| નવસારી મનપા | કુલ સીટ 52, ભાજપને 50 સીટ અને કોંગ્રેસને 2 સીટ, કોઈ વિપક્ષના નેતા નથી, પદ ખાલી |
| પોરબંદર મનપા | કુલ સીટ 52, ભાજપને 52, કોઈ વિપક્ષના નેતા નથી, પદ ખાલી |
| સુરેન્દ્રનગર મનપા | કુલ સીટ 52, ભાજપને 51 અને કોંગ્રેસને 1, કોંગ્રેસના એકમાત્ર નેતા સોનલબા ઝાલા ચૂંટણી જીત્યા હતા એટલે તેઓ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે |
| વાપી મનપા | કુલ સીટ 52, ભાજપને 37, કોંગ્રેસને 11, અન્યને 4, વિપક્ષના નેતા પીરમહંમદ ઈસ્તાયાક અહમદ પકરાણી (પીરુ મકરાણી) કોંગ્રેસ |
| ગાંધીનગર મનપા | કુલ સીટ 44, ભાજપને 38, કોંગ્રેસને 5, 1 અન્યને , વિપક્ષના નેતા કોંગ્રેસના કર્મજીતસિંહ વાઘેલા |
| જૂનાગઢ મનપા | ચૂંટણી ફેબ્રુઆરી 2025માં થઈ ચૂકી હતી. જેમાં કુલ 60 બેઠકમાંથી 48 ભાજપે અને 11 બેઠકો કોંગ્રેસે તથા 1 અપક્ષને ફાળે ગઈ હતી. વિપક્ષના નેતા લલિત પરસાણા |
સામાન્ય રીતે જોઈએ તો મહાનગર પાલિકામાં સત્તાવાર વિપક્ષ નેતાનું પદ મેળવવા માટે કોઈ પણ વિરોધી પાર્ટી પાસે કુલ બેઠકોના ઓછામાં ઓછા 10% (દાખલા તરીકે 120માંથી 12 બેઠકો) હોવી જરૂરી છે. જ્યારે કોઈ પણ વિપક્ષ પાસે આટલું સંખ્યાબળ ન હોય તો મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ ખાલી રહે તેવું બની શકે છે.
