PM Modi Gujarat Visit: આજે સાંજે 7:35 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. આ ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીની રાજ્યના રાજકારણમાં ‘હમ સાથ સાથ હૈ’નો સંદેશ આપવાનો અને રાજ્યની હાલની રાજકીય સ્થિતિનું નવું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક કરીને તેમના કામકાજની સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે.
અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીને લેવા માટે મંત્રીઓ અને પક્ષના નેતાઓ જોવા મળશે. ખાસ વાત એ છે કે, સંગઠન અને સરકાર વચ્ચેના સંકલન અને એકતા દર્શાવવા માટે હાલના રાજ્યના મંત્રીઓની સાથે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોને પણ ખાસ યાદ કરીને બોલાવવામાં આવ્યા છે.
બોલાવવામાં આવેલા પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોમાં ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર અને આર.એમ. પટેલ સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ પૂર્વ દિગ્ગજ નેતાઓ એરપોર્ટ પર અને ત્યારબાદ મંત્રી નિવાસસ્થાને યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
એરપોર્ટ પર સ્વાગત બાદ મંત્રી નિવાસસ્થાને પણ વર્તમાન મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે, જ્યાં વડાપ્રધાન મોદીની હાજરીમાં રાજ્યના વિકાસકામો અને આગામી રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.