Adani CNG Gas Price Hike: દિવાળીના તહેવારો પહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે માઠા સમાચાર છે. અદાણી ગેસ કંપની દ્વારા CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ ગુજરાતમાં CNGનો ભાવ 100 રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે, જેનાથી મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક આકરો આર્થિક બોજ પડ્યો છે.
અદાણી ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ હવે CNGનો નવો ભાવ પ્રતિ કિલો 100.77 રૂપિયા પહોંચી ગયો છે, જે ભાવ વધારા પહેલા 98.47 રૂપિયા હતો.
નોંધનીય છે કે, અદાણી કંપની દ્વારા તાજેતરમાં જ 23 ઓક્ટોબરે CNGના ભાવમાં રૂ. 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આટલા ટૂંકા ગાળામાં તહેવારો શરૂ થાય તે પહેલા જ બીજી વખત ભાવવધારો ઝીંકાતા ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
અદાણી ગેસના આ ભાવવધારાને કારણે નોકરી-ધંધા અર્થે રોજ મુસાફરી કરતા લોકોનું માસિક બજેટ ખોરવી નાંખશે. કમાણીનો મોટો હિસ્સો ઈંધણ પાછળ ખર્ચાઈ જતાં રોજીરોટી પર સીધી અસર પડશે. અદાણી ગેસ મોઘો થતા આમ આદમી માટે ઘરચલાવવું વધુ મુશ્કેલ બનશે.