અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી પરિણામોની અસર ક્રૂડ ઓઈલ પર જોવા મળી રહી છે. સત્તાધારી રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાંથી બહુમતી ગુમાવી બેઠી જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ તૂટ્યા અને 94 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી ગયા. WTI કરૂડ પણ 8 ટકાથી વધુ તૂટીને 88 ડોલર પ્રતિ બેરલ નીચે પહોંચી ગયો. અમેરિકી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હારના પગલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટપણે માની લીધુ છે કે ઈરાન જંગ અને મોંઘા તેલે તેમનો ખેલ બગાડ્યો છે. ત્યારબાદ ઓઈલ ટ્રેડર્સને લાગ્યું કે હવે વ્હાઈટ હાઉસ તરફથી જલદી યુદ્ધ ખતમ કરવાની કોશિશ કરાશે અને બજારમાં વેચવાલી શરૂ થઈ ગઈ.
ગુરુવારે સવારે બ્રેન્ટ ક્રૂડ તૂટીને 94 ડોલર પ્રતિ બેરલ પર અને WTI ક્રૂડ 87.43 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ નીચે ગયા બાદ દુનિયાભરના બજારમાં તેજી જોવા મળી રહી છે. એક બાજુ શેર બજારોમાં રિકવરી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ સોના અને ચાંદી પણ આકાશે આંબી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગત શુક્રવારે જ બ્રેન્ટ ક્રૂડ 118 ડોલર પ્રતિ બેરલના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. WTI ક્રૂડ પણ ડીને 100 ડોલર પાર પહોંચી ગયું હતું. પરંતુ હવે બંનેમાં નરમી જોવા મળી રહી છે.
બીઓકે ફાઈનાન્શિયલના ડેનિસ કિસલર મુજબ મિડલ ઈસ્ટથી વધતી નિકાસ અને ટ્રમ્પના ઠંડા નિવેદનોએ ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ વધાર્યું છે. તેમનું માનવું છે કે કોંગ્રેસમાં ડેમોક્રેટિક કંટ્રોલ આવવાથી અમેરિકી સૈન્ય ખર્ચ પર લગામ લાગી શકે છે. તેનાથી શાંતિ સમજૂતિનો રસ્તો સરળ બનશે. પરંતુ એનવેરસના એક્સપર્ટ કાર્લ લૈરીએ તેનાથી અલગ અભિપ્રાય રજૂ કર્યો છે અને ચેતવણી આપી છે કે શાંતિ સમજૂતિ પહેલા ઈરાન સંઘર્ષમાં એકવાર ફરીથી તણાવ વધી શકે છે. હજુ બજાર સંપૂર્ણ રીતે સ્થિર નથી.
બીજી બાજુ ઈરાનના ટોચના નેતા મોજતબા ખામેનેઈએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે અમેરિકામાં કોઈ પણ પાર્ટી સત્તામાં આવે પરંતુ અમેરિકાથી દુશ્મની એવી જ રહેશે. જ્યારે યમનના હૂતી વિદ્રોહીઓ તરફથી પણ દાવો કરાયો છે કે તેમણે રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવ્યું છે જો કે સાઉદી તરફથી આ હુમલાની પુષ્ટિ થઈ નથી.
પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
| શહેરો | પેટ્રોલનો ભાવ | ડીઝલનો ભાવ |
| અમદાવાદ | 101.83 | 97.92 |
| વડોદરા | 101.46 | 97.57 |
| સુરત | 101.63 | 97.77 |
| રાજકોટ | 102.03 | 98.16 |
શહેરો પ્રમાણે ભાવમાં સામાન્ય ફેરફાર હોઈ શકે છે.