બોલીવુડના ગુજ્જુ અભિનેતા જેકી શ્રોફના પુત્ર અને અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓ તરફથી એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલામાંથી એકે કહ્યું કે સલમાન ખાન સાથે કનેક્શનને કારણે ટાઈગર શ્રોફ પર હુમલો થયો. શૂટર્સે પોલીસને જણાવ્યું કે ટાઈગરે સલમાન ખાનના કરેલા વખાણના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ નારાજ હતી અને તેમને બદલો લેવો હતો. આ ઉપરાંત ઘટના બાદ પણ આ હુમલાખોરોને બહારથી મદદ મળી રહી હતી.
મુંબઈમાં ટાઈગર શ્રોફની ગાડી પર હુમલો કરનારા શૂટર્સને ઘટના બાદ પણ મદદ મળી રહી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ એક વ્યક્તિ સતત ટીવી ન્યૂઝ જોઈને તેમને પોલીસ અંગે અપડેટ કરતો હતો. જ્યારે ન્યૂઝમાં ચહેરા દેખાયા તો રેહાનને મેસેજ આવ્યો કે તમારા ચહેરા દેખાઈ ગયા છે, ત્યાંથી નીકળી જાઓ. શૂટર્સને એ પણ જણાવવામાં આવ્યું હતું કે પોલીસને તેમની બાઈક મળી ગઈ છે અને તેમના ટ્રેનથી ભાગવાની યોજના પણ ખબર પડી ગઈ છે. ત્યારબાદ આરોપીઓએ પોતાનો રસ્તો બદલ્યો હતો. તેઓ બાઈક, ટ્રેન અને કેબથી ભાગતા રહ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપી બાઈકથી જ મુંબઈથી નીકળવાના હતા. બાદમાં તેમણે અંધેરી પોતાની બાઈક છોડી દીધી અને બોરીવલીથી કેબ લઈને સુરત ગયા હતા. સુરતથી બસ પકડવાની યોજના ઘડી હતી. પરંતુ બસમાં વાર લાગતા તેમણે જયપુરવાળી ગાડી પકડી હતી. મુંબઈ પોલીસની સૂચના પર કોટા પોલીસે ટ્રેનમાં ત્રણેય શૂટર્સને હુમલાના બીજા દિવસે એટલે કે 19 તારીખે પકડ્યા હતા.