ઘઉંના લોટની બ્રેડ મામલે ભ્રામક વિજ્ઞાપન કરવા મામલે કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીને ઘઉંની બ્રેડ મામલે એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે કંપની જે બ્રેડ 100% શુદ્ધ ઘઉંના લોટની બ્રેડ તરીકે વહેંચી રહી છે તેમાં ફક્ત 62% ઘઉંનો લોટ હોય છે. આ મામલે કંપનીને તુરંત જ 100 ટકા ઘઉંના લોટની બ્રેડના વિજ્ઞાપન પણ બંધ કરી દેવાના નિર્દેશ પણ આપ્યા છે.
બ્રિટાનિયા કંપની વિરુદ્ધ 21 ઓક્ટોબરે આદેશ જાહેર કરવામાં આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે કંપની પેકેજીંગમાં અને જાહેરાતમાં ગ્રાહકને એવો મેસેજ આપે છે કે તેમની બ્રેડ સો ટકા ઘઉંના લોટથી બનેલી છે. પરંતુ હકીકતમાં બ્રેડમાં સો ટકા ઘઉંનો લોટ નથી. આ મામલે કંપનીએ પ્રોડક્ટમાં ઘઉંના લોટની માત્રા વધારીને કહી છે અને બ્રેડમાં સામગ્રીનું જે નિર્ધારિત માપ હોય તે પણ યોગ્ય નથી. સીસીપીએએ આ મામલે જણાવ્યું કે બ્રિટાનિયાના બ્રેડના પ્રચારની તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું કે બ્રિટાનિયા કંપની તેની બ્રેડને સો ટકા ઘઉંના લોટની બ્રેડ 0% મેંદાના લોટની હેલ્ધી બ્રેડ તરીકે પ્રમોટ કરે છે. પરંતુ હકીકતમાં બ્રેડમાં ફક્ત 62% ઘઉંનો લોટ હોય છે જ્યારે 38% ભાગમાં પાણી યીસ્ટ અને વ્હીટ બ્રાન જેવી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મામલો પ્રકાશમાં આવતા બ્રિટાનિયા કંપનીએ પણ પોતાનો પક્ષ બચાવનાર રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેમણે જે સો ટકા શબ્દ વાપર્યો છે તેનો અર્થ છે બ્રેડમાં જે ઘઉંનો ઉપયોગ થયો છે તેમાં સો ટકા ઘઉં છે અને મેંદાનો સમાવેશ નથી તેવો થાય છે. જોકે સીસીબીએ એ કંપનીની આ વ્યાખ્યાનો સ્વીકાર કર્યો નથી. સીસીપીએ નું કહેવું છે કે સો ટકા શબ્દનો અર્થ વસ્તુની સંપૂર્ણ સંરચનાથી થાય છે.
CCPA એ બ્રિટાનિયા કંપનીને નિર્દેશ આપ્યા છે કે ભ્રામક વિજ્ઞાપન તુરંત બંધ કરવામાં આવે અને 15 દિવસમાં રિપોર્ટ પણ રજૂ કરવામાં આવે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)