દિવાળી ટાણે સતત ઘટતા ભાવ એ સોના ચાંદીની ખરીદી માટે વાટ જોતા લોકો માટે આનંદના સમાચાર લાવે છે. પરંતુ જે લોકોએ સોના અને ચાંદીમાં તેજીના પગલે રોકાણ કર્યું હોય તેમના તો પૈસા ડૂબવાનો વારો આવ્યો છે. સોનું તેના ઓલટાઈમ હાઈથી 36000 રૂપિયા જેટલું અને ચાંદી ઓલટાઈમ હાઈથી 2 લાખ જેટલી સસ્તી થઈ છે. એક જ મહિનાની વાત કરીએ તો ઓક્ટોબરમાં સોનું 8000 રૂપિયા જેટલું અને ચાંદી 40000 રૂપિયા જેટલી સસ્તી થઈ છે.
1 ઓક્ટોબર 2026ના રોજ IBJA પર સોનું 148687 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. જ્યારે મહિનાના છેલ્લા કારોબારી દિવસ 30 ઓક્ટોબર 2026 (31 ઓક્ટોબરે શનિવારે રજા હોવાથી ભાવ જાહેર થતા નથી)ના રોજ સોનું 140054ના સ્તરે બંધ થયું હતું. એટલે કે 24 કેરેટ સોનામાં 8633 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
એ જ રીતે ચાંદીની વાત કરીએ તો 1 ઓક્ટોબરના રોજ એક કિલો ચાંદીનો ભાવ 221954 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે 30 ઓક્ટોબરના રોજ ચાંદી 181344 રૂપિયા પર બંધ થઈ હતી. એટલેકે ચાંદીના ભાવમાં ઓક્ટોબર મહિનામાં જ 40610 રૂપિયાનો કડાકો જોવા મળ્યો.

સોનું અને ચાંદી આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પોતાના ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા હતા. 10 ગ્રામ 24 કેરેટ સોનું 176121 રૂપિયા અને ચાંદી 385933 રૂપિયાના સ્તરે પહોંચી હતી. જો કે ત્યારબાદ સતત ઉતાર ચડાવના પગલે હવે સોનું 140054 રૂપિયા અને ચાંદી 181344 રૂપિયાના સ્તરે પહોંચી છે. એટલે કે હવે ઓલટાઈમ હાઈથી સોનું 36067 રૂપિયા અને ચાંદી 204589 રૂપિયા સસ્તા થઈ ગયા છે.
IBJA પર 10 ગ્રામ 24 કેરેટ સોનું 30 ઓક્ટોબર 2026ના રોજ 140054 રૂપિયાના સ્તરે બંધ થયું હતું જ્યારે એક કિલો ચાંદી 181344 રૂપિયાની સપાટીએ બંધ થઈ હતી. શનિવારે અને રવિવારે રજા હોવાથી ભાવ જાહેર થતા નથી.

વાયદા બજારના ભાવ
MCX પર 4 ડિસેમ્બરના વાયદાવાળું 10ગ્રામ સોનું 0.05 ટકાના ઘટાડા સાથે 138419 પર છેલ્લે જોવા મળ્યું હતું અને 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.13 ટકાના ઘટાડા પર 178900 પર જોવા મળી.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોનું 145 ડોલરના મોટા ફોલ સાથે તૂટીને 3875.84 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. ગોલ્ડ સ્પોટના ભાવ જુલાઈ બાદ સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂક્યા છે. યુએસ ગોલ્ડ ફ્યૂટરના ડિસેમ્બર ડિલિવરીવાળા ગોલ્ડના ભાવ તૂટીને 3991.10 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા.
ખાડી યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલ સંકટની અસર પણ સોના પર પડી છે. ક્રૂડ ઓઈલના ભાવ 69 ડોલરથી વધીને હવે 115 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ચૂક્યા છે. મોંઘુ ક્રૂડ મોંઘવારી વધારી રહ્યું છે. મોંઘવારી વધવાના કારણે કેન્દ્રીય બેંક વ્યાજ દર વધારી રહ્યા છે. વ્યાજ દર વધવાથી સોના પર દબાણ વધે છે. મોંઘવારીમાં લોકો સોનું ખરીદવાનું ટાળે છે. માંગણી ઘટે છે અને ભાવમાં ઘટાડો જોવા મળે છે. સોનાની સાથે પણ આ વખતે કઈક આવું જ થઈ રહ્યું છે.
સોનાના ઘટતા ભાવ વચ્ચે એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું સોનામાં તેજી પાછી ફરશે ખરી? શું વૈશ્વિક બજારમાં 5500 ડોલર પ્રતિ ઔંસના આંકડાને પાર કરનારું સોનું ફરીથી એ લેવલ પર જશે? મોટાભાગના જાણકારો એવું માને છે કે ભલે સોનું હાલ તૂટી રહ્યું હોય પરંતુ તેનું લોંગ ટર્મ આઉટલુક પોઝિટિવ બનેલું છે.
જુલિયસ બેયર પણ માને છે કે સરકાર પર વધતા કરજ, વ્યાજનો વધતો બોજો, અને કેન્દ્રીય બેંક તરફથી વધતી ખરીદીના પગલે સોનાના ભાવમાં ચમક પાછી ફરશે. યુબીએસના એનાલિસ્ટ Giovanni Staunovo ના જણાવ્યાં મુજબ વર્ષ 2027માં સોનું ફરીથી 5000 ડોલરના આંકડાને પાર કરી શકે છે. અમેરિકી ફેડરલ તરફથી વ્યાજ દરોમાં કાપ બાદ સોનામાં ફરીથી રોકાણ વધે અને તેજી આવે તેવી ધારણા છે.