5 Star Safety Rating Cars : જો તમે તહેવારોની સીઝન દરમિયાન નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમારો નિર્ણય માત્ર તેની કિંમત, દેખાવ કે ફીચર્સના આધારે જ ન લો. કાર કેટલી સુરક્ષિત છે તે ધ્યાનમાં લેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે સેફ્ટી ફીચર્સ અને ક્રેશ ટેસ્ટમાં વાહનનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ જ કારણ છે કે હવે લોકો કાર ખરીદતી વખતે તેના 'સેફ્ટી રેટિંગ' પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.
ભારત NCAP અને ગ્લોબલ NCAP જેવા ક્રેશ ટેસ્ટ પ્રોગ્રામ્સમાં અનેક કારોએ 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. આ લેખમાં અમે આવી કેટલીક કાર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં બજેટ-ફ્રેન્ડલી મોડલ્સથી લઈને SUV અને ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. સાથે જ તેની એક્સ-શોરૂમ કિંમતો પણ જણાવવામાં આવી છે.
ટાટા પંચ એવી કારમાં સામેલ છે જેને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. જે ખરીદદારો કોમ્પેક્ટ SUV પસંદ કરે છે, તેમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે. તેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹5.75 લાખથી ₹10.77 લાખની વચ્ચે છે, જોકે ચોક્કસ વેરિઅન્ટના આધારે કિંમતમાં ફેરફાર હોઈ શકે છે.
મારુતિ સુઝુકી ડિઝાયર પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી કારોની યાદીમાં સામેલ છે. જો તમે સેડાન કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ એક યોગ્ય પસંદગી બની શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹6.26 લાખથી ₹9.31 લાખની વચ્ચે છે.
સ્કોડા કાયલાક એવા ખરીદદારો માટેનો વિકલ્પ છે, જેઓ કોમ્પેક્ટ SUV શોધી રહ્યા છે. આ કારે પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹7.59 લાખથી શરૂ થઈને ₹13.09 લાખ સુધી જાય છે.
મહિન્દ્રા XUV 3XOને પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ SUV તેના સેગમેન્ટમાં ઘણી બધા ફીચર્સ સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹7.49 લાખથી શરૂ થઈને ₹15.49 લાખ સુધી જાય છે. કિંમતો ચોક્કસ વેરિઅન્ટના આધારે અલગ-અલગ હોઈ શકે છે.
જો તમે SUV કરતાં સેડાન પસંદ કરતા હો, તો તમે ફોક્સવેગન વર્ટસ અથવા સ્કોડા સ્લેવિયા વિશે વિચારી શકો છો. બંને કારને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેમની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹11.16 લાખથી ₹19.41 લાખની વચ્ચે છે. ચોક્કસ કિંમત મોડેલ અને વેરિઅન્ટ પર આધારિત છે.
અહીં દર્શાવેલી કિંમતો એક્સ-શોરૂમ કિંમતો છે. શહેર, કારનું ચોક્કસ વેરિઅન્ટ અને ડીલરશીપના આધારે ઓન-રોડ કિંમતો અલગ-અલગ હોઈ શકે છે. આ ઉપરાંત તહેવારોની સીઝન દરમિયાન ઉત્પાદકો દ્વારા આપવામાં આવતી ઓફર્સ પણ અંતિમ કિંમતને અસર કરી શકે છે. તેથી ખરીદી કરતા પહેલા ડીલરશીપ પર જઈને નવી કિંમતો તપાસી લેવી હિતાવહ છે.