ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે અંત જ નથી આવતો...પહેલા વરસાદે દગો દીધો... પછી સિંચાઈના પાણી માટે વલખાં... અને હવે ઊભા પાક પર ઈયળનો એટેક...આણંદ જિલ્લાના તારાપુર, ખંભાત સહિત સમગ્ર ભાલ પંથકમાં ડાંગરના પાક પર પાન વાળનારી ઈયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને પાકમાં 50થી 60 ટકા સુધી નુકસાન થવાની ભીતિ છે. ત્યારે સવાલ એ છે કે, કુદરતી આફતો અને જીવાતના હુમલા વચ્ચે ખેડૂતોનો પાક આખરે બચશે કેવી રીતે?....
ડાંગરની ખેતી... જે ખેડૂતો માટે આશાનું કિરણ હતી, એ જ ખેતી હવે આફતોની અગ્નિપરીક્ષા બની ગઈ છે...સૌપ્રથમ ધરૂવાડિયાની શરૂઆતમાં જ અંદાજે 15 ઈંચ વરસાદે અનેક ખેડૂતોનાં ધરૂવાડિયાં ધોઈ નાખ્યાં. માંડમાંડ ધરૂ તૈયાર કરીને ખેડૂતોએ રોપણી તો કરી, પરંતુ પાકને પાણીની જરૂર હતી ત્યારે વરસાદે મોઢું ફેરવી લીધું. ખેતરોમાં પાણીની અછત સર્જાઈ... સિંચાઈના પાણી માટે રજૂઆતો થઈ... અને ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધતી ગઈ.
ખેડૂતોને આશા હતી કે હવે તો પાકને રાહત મળશે, પરંતુ મુશ્કેલીઓનો સિલસિલો અટક્યો જ નહીં...સિંચાઈના પાણીની અછત વચ્ચે ખેડૂતોને પાણી માટે આંદોલન સુધી કરવાની નોબત આવી. ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું, પરંતુ ખેડૂતોની જરૂરિયાત સામે આ પાણી પણ અપૂરતું હોવાની ફરિયાદો ઊઠી.
એવામાં વરસાદે થોડી રાહત આપી, પરંતુ ત્યારબાદ ડાંગરમાં લાલ પાન થવાં અને છોડ સુકાવાની સમસ્યાએ ખેડૂતોની ચિંતા વધારી. અને હવે પાન વાળનારી ઈયળના ઉપદ્રવે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
હજુ તો પાકમાંથી સારા ઉત્પાદનની આશા જીવંત હતી, ત્યાં જ ઈયળના ઉપદ્રવે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે...ખેતરમાં ઊભા ડાંગરનાં પાન વળી રહ્યાં છે... છોડને નુકસાન થઈ રહ્યું છે... અને મહામહેનતે તૈયાર કરેલો પાક જોખમમાં મુકાયો છે.
ખેડૂતોને હવે ડર છે કે જો જીવાત પર સમયસર નિયંત્રણ નહીં મળે, તો ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. કેટલીક જગ્યાએ 50થી 60 ટકા સુધી નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ ખેતી પાછળ થયેલો ખર્ચ... બીજી તરફ પાક બગડવાની આશંકા... ત્યારે ખેડૂતો સામે આર્થિક સંકટ ઘેરાવાની ભીતિ છે.
પાકમાં જીવાત દેખાય એટલે ખેડૂતની દોડ શરૂ થાય છે એગ્રો સેન્ટર તરફ...પરંતુ સવાલ એ છે કે, કઈ દવા અસરકારક રહેશે?...કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો?...અને પાકને વધુ નુકસાન થતું કેવી રીતે અટકાવવું?...યોગ્ય નિદાન વિના દવાનો છંટકાવ કરવાથી ખર્ચ વધવાની સાથે પાકને અપેક્ષિત ફાયદો પણ ન થાય તેવી શક્યતા છે. ત્યારે કૃષિ વિભાગના નિષ્ણાતો ખેતરોમાં પહોંચે, જીવાતના ઉપદ્રવનું સર્વેક્ષણ કરે અને પાકની સ્થિતિ પ્રમાણે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપે એ અત્યંત જરૂરી બન્યું છે.
પહેલા વરસાદનો માર... પછી પાણીની અછત... ત્યારબાદ લાલ પાનની સમસ્યા... અને હવે ઈયળનો હુમલો....ભાલ પંથકના ખેડૂતો આખરે કેટકેટલી કસોટીમાંથી પસાર થશે?...ખેડૂતોના પરસેવાની કિંમત કોણ સમજશે?...પાકને નુકસાન થાય એ પહેલાં તંત્ર સક્રિય કેમ ન બને? અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને ખેડૂતોને સમયસર માર્ગદર્શન ક્યારે મળશે?...ખેડૂતોને અત્યારે આશ્વાસન નહીં, અસરકારક ઉકેલની જરૂર છે...કારણ કે પાક માત્ર ખેતરમાં ઊભો નથી... પરંતુ એની સાથે ખેડૂતના પરિવારની આખા વર્ષની આશા પણ ઊભી છે.