દિવાળી આવે એટલે મોંમાં મીઠાશ અને ઘરમાં ખુશીઓનો માહોલ...કોઈના ઘરે કાજુ કતરી, તો કોઈના ઘરે માવાની બરફી... અને કોઈના ઘરે શુદ્ધ ઘીની મીઠાઈ...પણ જરા થોભો... આ મીઠાઈ ખરેખર શુદ્ધ છે ખરી?...જે માવાની મીઠાઈ તમે હોંશે હોંશે ખરીદો છો, એ માવો કેટલો ભરોસાપાત્ર છે?.. અને જે ઘીને તમે શુદ્ધ માનીને ખાઓ છો, તેની ગુણવત્તાની કોઈ ખાતરી છે ખરી?...દિવાળી પહેલાં અમદાવાદમાં માવાના વિશાળ જથ્થાની તપાસ... તો જૂનાગઢમાં ઘીના વેપાર સામે સવાલો સામે આવ્યા છે...તહેવારની મીઠાશ વચ્ચે ભેળસેળની આશંકા વચ્ચે જુઓ અમારો આ વિશેષ અહેવાલ....
દિવાળીની મીઠાઈ તૈયાર થાય એ પહેલાં જ અમદાવાદમાં માવાના વેપારની તપાસ શરૂ થઈ છે...અમદાવાદના ગોમતીપુરમાં AMCના ફૂડ વિભાગે ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડ્યા... અને સામે આવ્યો એક લાખ કિલોથી વધુ માવાનો જથ્થો, જેની તપાસ હાથ ધરવામાં આવી છે.
50થી વધુ વેપારીઓનો અલગ-અલગ માત્રામાં સંગ્રહ કરાયેલો માવો તપાસના ઘેરામાં છે. રજવાડી સ્વીટના નામે વેચાતા માવાની પણ સઘન તપાસ થઈ રહી છે. તો રાધિકા ફૂડ પ્રોડક્ટનો 40 ટનથી વધુ માવાનો જથ્થો પણ શંકાના દાયરામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે, આ માવો ક્યાંથી આવ્યો?...કેટલા સમયથી સંગ્રહ કરવામાં આવ્યો હતો?... અને સૌથી મોટો સવાલ...શું આ માવો દિવાળીની મીઠાઈઓમાં વપરાવાનો હતો?
AMCએ 1500 કિલોથી વધુનો જથ્થો ધરાવતા સ્ટોકમાંથી સેમ્પલ લીધા છે. FSSAI લાઇસન્સ, બેચ નંબર અને માવાની ગુણવત્તા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. 40 હજાર કિલોથી વધુ માવાનો જથ્થો સીઝ કરાયો છે અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. પરંતુ માવામાં ભેળસેળ છે કે નહીં, અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થયો છે કે નહીં, તેનો અંતિમ જવાબ તો તપાસના રિપોર્ટ બાદ જ મળશે.
અમદાવાદમાં માવાની તપાસ વચ્ચે હવે જૂનાગઢમાં ઘીના વેપાર સામે સવાલો ઊભા થયા છે...અહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દિલીપ વણઝારાની દુકાનમાંથી 53 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. અલગ-અલગ બ્રાન્ડના ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સુકુન, શ્રીકાંત અને સ્વાગત સહિતની બ્રાન્ડના ઘીની ગુણવત્તા તપાસ હેઠળ છે.
વેપારીના બિલમાં ઘી શુદ્ધ હોવાનું દર્શાવાતું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. વેપારીના જણાવ્યા મુજબ, દુકાનમાં હજુ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ઘીનો જથ્થો હોવાની વાત પણ સામે આવી છે. હવે તપાસ એ દિશામાં છે કે ઘી ખરેખર શુદ્ધ છે કે પછી શુદ્ધતાના નામે ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે.
દિવાળી નજીક છે... બજારોમાં મીઠાઈની ખરીદી વધશે... ઘરોમાં મીઠાઈઓ આવશે... અને હજારો કિલો માવો તથા ઘીનો ઉપયોગ થશે...એવામાં સવાલ માત્ર માવા કે ઘીનો નથી... સવાલ છે ગુજરાતીઓના સ્વાસ્થ્યનો...
તપાસના રિપોર્ટ કેટલા સમયમાં આવશે?
શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લેવાયા, કાર્યવાહી થઈ... પરંતુ તપાસના રિપોર્ટ કેટલા સમયમાં આવશે?..જો ભેળસેળ સાબિત થાય, તો જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી થશે?...અને ત્યાં સુધી ગ્રાહકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે?,,,દિવાળીના તહેવારમાં મીઠાઈ ખરીદતી વખતે વિશ્વસનીય દુકાન પસંદ કરો, બિલ લો અને શંકાસ્પદ ગુણવત્તાવાળી વસ્તુથી દૂર રહો. કારણ કે...દિવાળીનો તહેવાર મીઠો હોવો જોઈએ... ભેળસેળવાળો નહીં.